પૂર્વ વડાપ્રધાનના પૌત્ર અને ભાજપની સહયોગી પાર્ટીના સાંસદનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં હડકંપ

April 28, 2024

બેગ્લોર- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હસન લોકસભા બેઠક પરથી ભાજપ અને જેડીએસ (JDS) ના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ સ્કેન્ડલની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રજ્વલ રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો સામે આવ્યા બાદ મહિલા આયોગના અધ્યક્ષે સરકારને પત્ર લખીને આ મામલામાં SITની રચના કરવાની માંગ કરી હતી. જેના પર શનિવારે 27 એપ્રિલે સીએમ સિદ્ધારમૈયાએ SIT બનાવવાની સૂચના આપી છે. પ્રજ્વલ રેવન્ના કેસમાં એસઆઈટીની રચના વિશે માહિતી આપતા સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, સરકારે પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો કેસમાં વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) બનાવવાનો નિર્ણય કર્યો છે. હસન જિલ્લામાં અશ્લીલ વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં એવું દેખાઈ રહ્યું છે કે મહિલાઓનું જાતીય શોષણ થયું છે.


આ મામલે મહિલા આયોગના અધ્યક્ષે સરકારને પત્ર લખીને SIT તપાસની માંગ કરી હતી. જે બાદ SITની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. SITનું નેતૃત્વ ADGP રેન્કના અધિકારી કરશે. જેમાં એક મહિલા એસપી સહિત 3 એસપી રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. કર્ણાટકના મહિલા આયોગે જેડીએસ સાંસદ પ્રજ્વલના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોની નોંધ લીધી હતી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.  આ મામલે સીએમ પાસે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો પ્રજ્વલ રેવન્ના શનિવારે સવારે બેંગ્લોરથી ફ્રેન્કફર્ટ જવા રવાના થયા છે.