'અમેરિકાની શરતો માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે...' દ.કોરિયાના પ્રમુખનું મોટું નિવેદન

September 22, 2025

દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, જો અમારી સરકાર અમેરિકાની વર્તમાન રોકાણની માગણીઓને સુરક્ષા ઉપાયો વિના માની લેશે, તો દેશની અર્થવ્યવસ્થા 1997ના નાણાકીય સંકટ જેવી પરિસ્થિતિમાં મૂકાઈ શકે છે. તેમણે આ નિવેદન એક મીડિયા કંપની સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. જુલાઈમાં સિઓલ અને વોશિંગ્ટન વચ્ચે એક મૌખિક ટ્રેડ ડીલ થઈ હતી, જેના હેઠળ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ ઘટાડવા સંમત થયું હતું. બદલામાં દક્ષિણ કોરિયાએ 350 અબજ ડોલરનું રોકાણ અમેરિકામાં કરવાનું હતું. જોકે, આ કરાર હજુ સુધી કોઈ હસ્તાક્ષર નથી થયા, કારણ કે રોકાણની શરતો અંગે બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પ્રમુખ લી એ કહ્યું કે, કરન્સી સ્વેપ વિના જો અમે અમેરિકન માગ પ્રમાણે 350 બિલિયન ડોલર રોકડ કાઢીને અમેરિકામાં રોકાણ કરીએ, તો દક્ષિણ કોરિયા એવી જ સ્થિતિનો સામને કરશે, જેવી સ્થિતિ 1997ના નાણાકીય સંકટ દરમિયાન સર્જાઈ હતી. અમેરિકાની શરતોને માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે.   લી જે મ્યુંગે પોતાની ઓફિસમાં આપેલા ઈન્ટરવ્યુમાં અમેરિકન ઈમિગ્રેશન દરોડાઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સેંકડો કોરિયન નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે ઉત્તર કોરિયા, ચીન અને રશિયા સાથેના સંબંધો પર પણ ચર્ચા કરી. જોકે, હાલમાં અમેરિકા સાથે વેપાર અને સંરક્ષણ વાટાઘાટો સૌથી વધુ ચર્ચામાં છે. અમેરિકા દક્ષિણ કોરિયાનું સૈન્ય સહયોગી અને ટોચનું આર્થિક ભાગીદાર છે. આ સંદર્ભમાં પ્રમુખ લી સોમવારથી ન્યુયોર્કના પ્રવાસ પર જઈ રહ્યા છે. ત્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ દક્ષિણ કોરિયન પ્રમુખ બનશે.