મેચ જીતવી હોય તો રવીન્દ્ર જાડેજાને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચની ટીમ ઈન્ડિયાને સલાહ

July 01, 2025

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ બર્મિંગહામમાં બે જુલાઈએ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયા બાદ 2 જુલાઈથી શરૂ થનારી આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે, તો સીરિઝમાં 1-1ની બરાબરી થશે અને ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમ માટે મહત્ત્વની રહેશે.  એજબેસ્ટન ટેસ્ટ મેચથી પહેલાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે ટીમ ઈન્ડિયાને એક સલાહ આપી છે. ચેપલનું માનવું છે કે જો ભારતને આ સીરિઝમાં જીત મેળવવી હોય, તો ટીમ કોમ્બિનેશન પર ફરીથી વિચાર કરવો પડશે. ચેપલના મતે, ભારતીય ટીમે કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ જેવા વિકલ્પોને અજમાવવા જોઈએ અને રવીન્દ્ર જાડેજાને આરામ આપવા પર પુનર્વિચાર કરવો જરૂરી છે.ગ્રેગ ચેપલે એક લેખમાં લખ્યું, "બોલર બદલવાથી વિકેટ મળે છે કારણ કે બેટરને દરેક બોલ વિચારીને રમવું પડે છે. ગિલ પાસે આ વિકલ્પ ન હતો. જો બીજી ટેસ્ટ મેચમાં બુમરાહ નથી, તો લેફ્ટહેન્ડ બોલર અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવો જોઈએ'' ગ્રેગ ચેપલનું માનવું છે કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રવીન્દ્ર જાડેજા ફ્રન્ટલાઇન સ્પિનર ગણાવી શકાય નહીં. તેમણે લેખમાં જણાવ્યું હતું કે "બેટિંગ લાઇનઅપમાં જાડેજાનો સારો યોગદાન હોય, તો તેમને સપોર્ટિંગ સ્પિનર તરીકે રાખી શકાય, નહીં તો તેમને આ સીરિઝથી  બહાર કરવો જોઈએ'' ચેપલે લખ્યું હતું કે  "બધા બોલર એક જેવા છે, લેફ્ટ હેન્ડના મીડિયમ પ્રેસર અને એક જ એંગલથી બોલિંગ કરતા જોવા મળે છે. મે એક પણ ઓવરમાં એવી જોઈ નથી કે જેમાં બોલરે બેટર પર દબાણ મૂક્યું હોય. ક્યારેક બોલ ખૂબ ફૂલટોસ હોય, ક્યારેક ખૂબ શૉર્ટ, કે પછી ક્યારે બોલની દિશા ભટકી જાય છે,  ઇંગ્લેન્ડને માત્ર બુમરાહનો જ સામનો કરવો હોય છે, તેની ઓવર પછી દબાણ આપ મેળે ઓછુ થઈ જાય  છે''