તંગદિલી વચ્ચે પાકિસ્તાને 'અબ્દાલી' બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું, 450 કિ.મી.ની રેન્જ

May 03, 2025

ભારત સાથે વધતી તંગદિલી વચ્ચે પાકિસ્તાને શનિવારે 450 કિ.મી. સુધી જમીનથી જમીન પર પ્રહાર કરી શકે તેવી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યાનો દાવો કર્યો છે. આ બેલેસ્ટિક મિસાઈલનું નામ અબ્દાલી છે જેનું પરીક્ષણ સોનમિયાની રેન્જમાં કરાયું હતું. આ પરીક્ષણ સંભવતઃ આર્મીની સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ કરાયેલા ઓપરેશનલ યુઝર ટ્રાયલનો હિસ્સો હતું. જે પાકિસ્તાનના પરમાણુ સક્ષમ મિસાઈલ દળોની દેખરેખ કરે છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે, અબ્દાલી વેપન સિસ્ટમના નામે જાણીતી આ મિસાઈલનું પરીક્ષણ મિલિટ્રી ડ્રીલ એક્સરસાઈઝ ઈન્ડસ હેઠળ કરાયું હતું. આ પરીક્ષણ દરમિયાન પાકિસ્તાન આર્મીના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ શાહબાઝ ખાન અને સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના ડીજી મેજર જનરલ શહરયાર પરવેઝ બટ્ટ પણ હાજર હતા.