બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું

August 12, 2025

મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં નારાજગીના સમાચાર સામાન્ય છે. આ વચ્ચે આજે 12 ઓગસ્ટના રોજ કેબિનેટની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ઉપ-મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે હાજર રહ્યા નહોતા. તેઓ રવિવારથી જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં હતા.  એટલું જ નહીં, તાજેતરમાં જ એકનાથી શિંદે વિધાનસભા સત્રની વચ્ચે દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ આજની બેઠકમાં તેમની ગેરહાજરીના કારણે મહારાષ્ટ્રની NDA સરકારમાં બધું બરાબર છે કે નહીં, તે સવાલ ફરી ઉઠવા લાગ્યો છે. અટકળોને વધુ વેગ એટલા માટે મળી રહ્યો છે કારણ કે તેમના નજીકના મંત્રી ભરત ગોગાવાલેએ પણ આ બેઠકમાં હાજરી આપી નહોતી. એવું માનવામાં આવે છે કે એકનાથ શિંદે પોતાને અને તેમના મંત્રીઓને અવગણવામાં આવતા હોવાથી નારાજ છે. ભલે તેમની પાસે હાલ વિકલ્પોની કમી હોય અને આ સમયે સાથ છોડવો યોગ્ય ન હોય, પરંતુ અંદરખાને નારાજગી યથાવત છે. તેમની એક ચિંતા એ પણ છે કે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં શિવસેના કરતાં અજિત પવાર અને તેમના લોકોને વધુ મહત્ત્વ મળી રહ્યું છે. તેમજ ગોગાવાલેની નારાજગી અંગે એવું અહેવાલ છે કે તેમને રાયગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ન બનવવાના કારણે તેઓ નારાજ છે. NCPના અદિતિ તટકરેના નામ પર શિવસેના ભડકી ગઈ હતી, જેના કારણે અદિતિ તટકરેનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું, અત્યાર સુધી આ જિલ્લામાં પ્રભારી મંત્રીની જાહેરાત થઈ નથી.