મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી 'કિંગમેકર' શિંદેના હાથમાં

January 19, 2026

બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC) ના પરિણામો બાદ હવે મુંબઈના મેયર પદને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે ગઠબંધન અને 'રિસોર્ટ પોલિટિક્સ' શરૂ થઈ ગયું છે. આમ તો બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પરંતુ પોતાના દમ પર મેયર બનાવવા માટે જરૂરી જાદુઈ આંકડો (114) કોઈની પાસે નથી. આ જ કારણસર મેયર પદ કબજે કરવા માટે ભાજપે એકનાથ શિંદેની શિવસેનાના ટેકાની જરૂર છે.  આ સ્થિતિમાં એકનાથ શિંદેએ તેમના જીતી ગયેલા તમામ 29 કોર્પોરેટરોને મુંબઈની એક હોટલમાં મોકલી દીધા છે. સત્તાવાર રીતે તેને 'ઓરિએન્ટેશન વર્કશોપ' (કામગીરી સમજવાની શિબિર) કહેવાય છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તે કોર્પોરેટરોને તૂટતા બચાવવાનો પ્રયાસ છે. આમ મુંબઈના મેયર પદની વાત છે, ત્યાં સુધી એકનાથ શિંદે 'કિંગમેકર'ની ભૂમિકામાં છે. બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તો એકનાથ શિંદેની શિવસેનાએ 29 બેઠકો જીતી છે, જે ભાજપ માટે બહુમતી સાબિત કરવા માટે અત્યંત મહત્ત્વની છે. જો કે, BMCની કુલ 227 બેઠકો છે, એટલે મુંબઈનું મેયર પદ મેળવવા માટે 114 બેઠકોની જરૂર હોય છે, જ્યારે મહાયુતિ ગઠબંધન પાસે હાલ 118 બેઠકો છે. આ સ્થિતિમાં મુંબઈના મેયર પદનું ગણિત લોટરી સિસ્ટમ અને અનામત (OBC કે મહિલા) પર પણ નિર્ભર છે, જેના કારણે આ સસ્પેન્સ વધુ ઘેરાયું છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની NCP (SP) પણ મુંબઈનું મેયર પદ હાંસલ કરવા સંયુક્ત રીતે સક્રિય છે. તેમની પાસે કુલ 100થી વધુ કોર્પોરેટરો છે, જે સત્તાધારી પક્ષોના આંકડાથી માત્ર 8 મત જ દૂર છે. તેથી થોડી પણ ઉથલપાથલ થાય તો વિપક્ષ પોતાનો મેયર બેસાડવામાં સફળ થઈ શકે છે.  આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધતી વખતે સંકેત આપ્યો હતો કે, જો સંજોગો સાથ આપશે તો મુંબઈમાં શિવસેના (UBT)નો મેયર બની શકે છે. જે લોકો પક્ષ પલટો કરીને ગયા છે, તેઓ ફરી પાછા પણ આવી શકે છે. આ દરમિયાન ઉદ્ધવ જૂથના અગ્રણી નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ થઈ શકે છે. શિંદે જૂથના ઘણાં કોર્પોરેટરો અને ખુદ શિંદે પણ મુંબઈમાં ભાજપનો મેયર બને તેવું નથી ઈચ્છતા. BMCનું બજેટ ઘણાં નાના રાજ્યોના બજેટ કરતા પણ મોટું હોય છે. મુંબઈ પર કબજો જમાવવો એ મહારાષ્ટ્રની સત્તાના શિખરે રહેવા સમાન છે. ભાજપ દાયકાઓ પછી શિવસેનાના ગઢમાં ભગવો લહેરાવવા માંગે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે.