5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મૃતકાંક 800ની નજીક, સામૂહિક અંતિમ સંસ્કારની ફરજ પડી

August 31, 2026

નેપાળમાં ભયાનક પૂરે ભારે તારાજી સર્જી છે. પૂર આવ્યાના પાંચ દિવસ બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ શકી નથી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 788 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધખોળ કરી રહ્યા છે. બીજી તરફ, ઓળખ ન થઈ શકી હોય તેવા અનેક મૃતદેહોના જરૂરી પુરાવા સુરક્ષિત રાખીને સામૂહિક રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં ફરીથી વધારો થતાં રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

મધ્ય નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં ફરી પૂરના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે. સતત ત્રણ કલાક સુધી પાણીના તેજ વહાવના કારણે રશુવા અને ગોરખા વિસ્તારને જોડતો 130 મીટર લાંબો ઘ્યાલચોક-ચારૌદી પુલ ધરાશાહી થઈ ગયો છે. આ પુલ તૂટી જવાથી આસપાસના 400થી વધુ પરિવારોનો મુખ્ય સંપર્ક માર્ગ કપાઈ ગયો છે. આ પુલ સ્થાનિક ખેડૂતો માટે દૂધ અને શાકભાજી બજાર સુધી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો હતો. અગાઉ 26 ઓગસ્ટે ધવાદિઘાટનો પુલ પણ વહી ગયો હતો, જેના કારણે હવે તમામ વૈકલ્પિક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

પૂર અને કાંપના કારણે સૌથી પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલમાં ચાલી રહ્યું છે. રશુવાના 'અપર ત્રિશૂલી-1' અને નુવાકોટના 'અપર ત્રિશૂલી-3A' પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેનાની સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો તહેનાત છે. ભારતીય ટીમ ટનલની અંદર 3 કિલોમીટર સુધી અંદર જઈને તપાસ કરી રહી છે અને છેલ્લા બે દિવસમાં 250 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલની અંદર રસ્તો બનાવવા માટે સેનાના એન્જિનિયરો કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ અને ભારે મશીનોની મદદ લઈ રહ્યા છે.