પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે, સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર

April 23, 2025

શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે ભાજપ શાસનની નફરતની રાજનીતિ જવાબદાર છે, જેમાં 26 લોકો માર્યા ગયા.' સંજય રાઉતે આ મામલે વધુમાં કહ્યું કે, 'પહલગામ આતંકવાદી હુમલા માટે મોદી સરકાર જવાબદાર છે. દેશમાં આંદોલન કરવાના બદલે અમિત શાહ, પીએમ મોદી અને તેમના પરિવારની સુરક્ષા ઘટાડવી વધુ સારું છે. તેમજ સેનામાં સૈનિકો માટે બે લાખ જગ્યાઓ ખાલી છે. ગૃહમંત્રી તે જગ્યાઓ ભરવા પણ તૈયાર નથી. 2000 પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. શું કેન્દ્ર સરકારને ખબર નહોતી કે ત્યાં સુરક્ષા વધારવી જોઈએ?' સંજય રાઉતે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'જો આતંકવાદીઓ લોકોને મારતા પહેલા ધર્મ પૂછે છે, તો તેના માટે ભાજપની નફરતની રાજનીતિ જવાબદાર છે.' રાજ્યસભાના સભ્યએ દાવો કર્યો કે નફરતની રાજનીતિ એક દિવસ 'બૂમરેંગ' થશે. આ માટે બીજા કોઈ જવાબદાર નથી પણ પશ્ચિમ બંગાળથી જમ્મુ કાશ્મીર સુધી ફેલાયેલા નફરતનું પરિણામ છે.' શાસક ગઠબંધનના નેતાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'તેઓ 24 કલાક સરકારો બનાવવામાં અને પાડી નાખવામાં તેમજ વિપક્ષી નેતાઓને જેલમાં નાખવામાં વ્યસ્ત રહે છે. તેઓ લોકોનું રક્ષણ કેવી રીતે કરશે?'