અમદાવાદમાં ચીન પર ગર્જ્યા રાજનાથ સિંહ, કહ્યું- ‘ભારત ક્યારેય ઝૂકશે નહીં’

April 28, 2024

અમદાવાદ : અમદાવાદમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) જનસભામાં ચીન પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સૈન્યની દ્રષ્ટિએ ભારત એક શક્તિશાળી દેશ બની ગયો છે. આપણે આપણા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ.’
તેમણે રાહુલ ગાંધી દ્વારા ચીન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારત અને ચીન (India-China) વચ્ચે સરળતાથી વાતચીત ચાલી રહી છે. ભારત ક્યારેય ઝૂકશે નહીં. મને લાગે છે કે આપણે વાટાઘાટોના પરિણામોની રાહ જોવી જોઈએ. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહીં.’


રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. ભારતે વર્ષ 2014માં 600 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી હતી, જોકે આજે 2023-24માં આ આંકડો 21000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, દેશની સંરક્ષણ નિકાસમાં હજુ પણ વધારો થશે. મોદી સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે કે, સંરક્ષણ સામગ્રીઓ જેમ કે મિસાઈલ, બોંબ, ટેંક કે પછી અન્ય હથિયારો માત્ર ભારતમાં અને ભારતીયો દ્વારા જ બનવી જોઈએ.