રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

October 12, 2026

વોશિંગ્ટન : રશિયા પાસેથી ડીઝલની ખરીદી માટે તેના પરના પ્રતિબંધો હટાવવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં જ ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે ટ્રમ્પના આ નિર્ણયને રોકવા માટે એક દ્વિદલીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. બીજીબાજુ રશિયન ડીઝલ પરના પ્રતિબંધો હટતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તેવી ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ એક મહિનાથી વિક્રમી છ ડોલરથી ઉપર છે ત્યારે ડીઝલના ભાવ ઘટાડવા પ્રમુખ ટ્રમ્પે યુક્રેન સામે યુદ્ધે ચઢેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ડીઝલની ખરીદીનો સોદો કર્યો છે. ટ્રમ્પના આ સોદાનો હવે અમેરિકામાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પના જ પક્ષ રિપબ્લિકન પાર્ટીના સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે ટ્રમ્પના નિર્ણયના અમલને રોકવા માટે એક દ્વિપક્ષીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેમને રિપબ્લિકન પક્ષના જ સાંસદ ડોન બેકનનું પણ સમર્થન મળ્યું છે. ડોન બેકન આ બિલના સહપ્રસ્તાવક બનવા માટે તૈયાર થઈ ગયા છે. ફિટ્ઝપૈટ્રિકે કહ્યું કે આ બિલનું નામ રોનાલ્ડ રીગન પીસ થુ્ર સ્ટ્રેન્થ એક્ટ રખાશે. તેમણે કહ્યું કે, આ બિલ ગૃહમાં મતદાન માટે લાવવા એક વિશેષ પ્રક્રિયા અપનાવાશે. આ બિલને બંને ગૃહમાં ભારે સમર્થન મળી શકે છે. નેબ્રાસ્કાના રિપબ્લિકન સાંસદ ડોન બેકને પણ આ પહેલનું સમર્થન કર્યું છે. બેકને કહ્યું કે, કોંગ્રેસે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
રશિયા વિરુદ્ધ આકરા પ્રતિબંધોની માગ હવે માત્ર ડેમોક્રેટિક પાર્ટી સુધી જ મર્યાદિત નથી. અમેરિકન સંસદે હજુ ગયા મહિને જ રશિયા-ઈરાન પાસેથી ક્રૂડ ખરીદનારા ટોચના પાંચ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવાનું બિલ બહુમતીથી પસાર કર્યું હતું ત્યારે રશિયા પાસેથી જ ડીઝલ ખરીદવાનું ટ્રમ્પ સરકારનું વલણ આશ્ચર્યજનક છે તેમ અમેરિકન સાંસદોનું માનવું છે. સેનેટર જેન શાહીને કહ્યું કે, યુએસ કોંગ્રેસે ૨૦૨૨માં રશિયન એનર્જીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રમ્પ પુતિન પાસેથી ડીઝલની ખરીદીને મંજૂરી આપીને આ પ્રતિબંધોની અવગણના કરી શકે નહીં. રશિયા દુનિયાના સૌથી મોટા ડીઝલ નિકાસકાર દેશોમાંનો એક છે. રશિયા પર પ્રતિબંધો દૂર થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું ડીઝલ ઠલવાય તો તેની ઉપલબ્ધતા વધી શકે છે, એવામાં જે દેશોને ડીઝલની જરૂર છે તેમને વધારાનો પૂરવઠો મળવાની આશા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલનો પૂરવઠો વધતા કિંમત નીચે આવવાની શક્યતા છે, પરંતુ તેની ખાતરી થઈ શકે તેમ નથી.