ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી

October 12, 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી પાંચ મેચની વનડે સિરીઝ રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ મિચેલ સેન્ટનરના નેતૃત્વમાં આ સિરીઝ માટે બે અલગ ટીમ જાહેર કરી છે. પ્રથમ ત્રણ મેચ માટે 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે છેલ્લી બે મેચમાં ફિન એલન, ટિમ સીફર્ટ અને અન્ય નવા ખેલાડીઓને તક મળશે. ટેસ્ટ સિરીઝની તૈયારીની સાથે ખેલાડીઓની ક્ષમતા ચકાસવી પણ આ નિર્ણયનો મુખ્ય હેતુ છે. પ્રથમ ત્રણ વનડે માટેની ટીમમાં મિચેલ સેન્ટનર ઉપરાંત માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, બ્લેર ટિકનર અને વિલ યંગનો સમાવેશ થાય છે.  ખભાની ઈજાને કારણે ભારત સામેની ટી-20 સિરીઝમાંથી બહાર રહેલો રચિન રવીન્દ્ર વનડે ટીમમાં પાછો ફરશે. પ્રથમ ત્રણ મેચમાં તેની બેટિંગ અને બોલિંગ બંને ન્યૂઝીલેન્ડ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. છેલ્લી બે વનડે માટેની ટીમમાં ફિન એલન અને ટિમ સીફર્ટનો સમાવેશ કરાયો છે. આક્રમક બેટિંગ માટે જાણીતા બંને ખેલાડીઓ સાથે ક્રિસ્ટિયન ક્લાર્ક, મેટ ફિશર, મિચ હે અને નિક કેલીને પણ તક મળી છે. આ ટીમમાં સેન્ટનર, બ્રેસવેલ, ચેપમેન, જેકબ ડફી, બ્લેર ટિકનર અને વિલ યંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડના કોચ રોબ વૉલ્ટરે જણાવ્યું કે ભારત જેવી મજબૂત ટીમ સામે રમવું વર્લ્ડ કપની તૈયારી માટે મહત્ત્વપૂર્ણ છે. વધારાના ખેલાડીઓને તક આપવાથી ટીમની ક્ષમતા અને વિકલ્પોનું મૂલ્યાંકન કરી શકાશે. ઈજામાંથી સાજા થઈ રહેલા ઝકારી ફૉલ્ક્સ, વિલ ઓ'રૉર્ક અને બેન સિયર્સની પસંદગી કરવામાં આવી નથી. આગામી 2027નો ક્રિકેટ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાનો છે.