70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી ભાજપના પૂર્વ ધારાસભ્યની કરી હત્યા

October 12, 2026

ભરતપુર  : રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ક્રશર પ્લાન્ટને લઈને ચાલી રહેલો વિવાદ રવિવારે મોડી સાંજે હિંસક સંઘર્ષમાં પરિવર્તિત થઈ ગયો હતો. બયાનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અતર સિંહ ભડાનાનું લાઠી-પથ્થરો વડે થયેલા કથિત હુમલામાં કરુણ મોત નીપજ્યું છે. આક્ષેપ છે કે વેર પોલીસ સ્ટેશન વિસ્તારના ભોંડા ગામમાં આવેલા ક્રશર પ્લાન્ટ પર હાજર ભડાના અને તેમના સાથીઓ પર 70થી 80 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભડાનાનું જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રાત્રે આશરે 11:30 વાગ્યે અવસાન થયું હતું. આ ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રવિવાર સાંજે આશરે 6:30 વાગ્યે અતર સિંહ ભડાના ભોંડા ગામ સ્થિત પોતાના ક્રશર પ્લાન્ટ પર હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા લગભગ એક વર્ષથી બંધ પડેલા આ ક્રશરને ફરીથી ચાલુ કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. તે જ સમયે ગ્રામજનો અને ભડાના પક્ષ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

આક્ષેપ છે કે આ દરમિયાન મોટી સંખ્યામાં આવેલા લોકોએ લાઠી અને પથ્થરોથી હુમલો કરી દીધો હતો. આ સંઘર્ષમાં અતર સિંહ ભડાના અને તેમનો સાથી ગગન શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને સૌપ્રથમ વેર ઉપ-જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી સ્થિતિ ગંભીર હોવાથી ભડાનાને જયપુર અને ગગન શર્માને ભરતપુર રિફર કરવામાં આવ્યા હતા. જયપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અતર સિંહ ભડાનાનું મોત નીપજ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય અતર સિંહના પત્ની કમલેશે પોલીસ અને પ્રશાસન પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, 'ક્રશરની લીઝનું વીજ કનેક્શન કાપવા, વોટર પંપ બગાડવા અને લોકોને ભગાડવા અંગે સતત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થઈ. રવિવાર સાંજે 70-80 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. તેમણે પૂર્વ ધારાસભ્યને ગોળી વાગી હોવાનો દાવો પણ કર્યો છે, જોકે ડૉક્ટરોએ પ્રાથમિક તપાસમાં તેનો અસ્વીકાર કર્યો હતો અને પોલીસ હાલ તેની તપાસ કરી રહી છે.'