જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ અને ટ્રમ્પ સામે પ્રહાર, જોહરાન મમદાનીએ વિજયી ભાષણમાં જુઓ શું કહ્યું

November 05, 2025

ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ ઉમેદવાર જોહરાન મમદાનીએ ન્યુયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં પોતાની ઐતિહાસિક જીતની જાહેરાત કરી છે. સમર્થકોએ જોરદાર જયકાર વચ્ચે તેમને ન્યુયોર્કના પહેલાં મૂળ ભારતીય-અમેરિકન મુસ્લિમ અને સૌથી ઓછી ઉંમરના મેયર તરીકે ચૂંટવા બદલ ન્યુયોર્કવાસીનો આભાર માન્યો છે. 34 વર્ષીય મમદાનીએ પોતાના વિજય ભાષણમાં એક નવી પેઢી માટે લડવાનો સંકલ્પ આપ્યો. તેમણે કહ્યું કે, 'ન્યુયોર્કની નવી પેઢીનો આભાર. અમે તમારા માટે લડીશું, કારણ કે અમે પણ તમારામાંથી જ એક છીએ. ભવિષ્ય આપણા હાથમાં છે. મારા મિત્રો આપણે એક રાજકીય રાજવંશને ઉથલાવી દીધો છે.' તેમણે પોતાના મુખ્ય હરીફ પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને તેમના અંગત જીવન માટે શુભેચ્છા પાઠવી. મમદાનીએ કહ્યું કે, 'પરંતુ આજની રાત છેલ્લી વાર હોય જ્યારે હું તેમનું નામ લઈશ. કારણ કે અમે એક એવા રાજકારણને છોડી રહ્યા છે, જે ફક્ત અમુક લોકોનું જ સાંભળે છે.'  મમદાનીએ પોતાના ભાષણમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધું સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ મારી પાસે તમારા માટે ચાર શબ્દ છે. અમારામાંથી કોઈ પણ સુધી પહોંચવા માટે તમારે અમારામાંથી પસાર થવું પડશે.' જેવું જ મમદાનીએ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે આ વાત કહી, ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ વિશે તીખી પ્રતિક્રિયા આપતા લખ્યું, 'અને આ પાછા શરુ થઈ ગયા!' ભારતીય મૂળના આ રાજનેતાએ પોતાના વિજય સંબોધનમાં ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ઐતિહાસિક 'ટ્રિસ્ટ વિધ ડેસ્ટિની' (Tryst with Destiny) ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ઇતિહાસમાં કદાચ ક્યારેક એવી ક્ષણ આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને અભિવ્યક્તિ મળે છે.' મામદાનીએ પોતાની જીતને ટેક્સી ડ્રાઇવરોથી લઈને લાઇન કૂક્સ સુધીના બધા ન્યુયોર્કવાસીઓની જીત ગણાવી. તેમણે રિચાર્ડ નામના ટેક્સી ડ્રાઇવર સાથે સિટી હોલની બહાર 15 દિવસની ભૂખ હડતાળની વાર્તા પણ સંભળાવી. તેમણે કહ્યું, "મારા ભાઈ, અમે હવે આપણે સિટી હૉલમાં છીએ." તેમણે બોદેગા માલિકોથી લઈને નર્સ સુધી, તમામ શ્રમજીવી લોકો સાથેની પોતાની વાતચીતને યાદ કરી અને કહ્યું કે, મારું અભિયાન આ લોકોના પ્રતિનિધિત્વ વિશે હતું. આજે રાત્રે તમે અમને પરિવર્તનનો આદેશ આપ્યો છે, એક નવા પ્રકારની રાજનીતિનો આદેશ આપ્યો છે. 1 જાન્યુઆરીએ, હું ન્યુયોર્ક શહેરના મેયર તરીકે શપથ લઈશ."