સાવરકર વિશે બે શબ્દ બોલી બતાવો: ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર

November 10, 2024

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોર ચૂંટણી પ્રચાર કરવાની સાથે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. તો ભાજપ પણ મહાવિકાસ અઘાડી ગઠબંધન પર સતત પ્રહારો કરી રહી છે. તો બીજીતરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અને આ સાથે તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંકતા અમિત શાહે કહ્યું કે, હું ઉદ્ધવજીને પૂછવા માગું છું કે, શું તેઓ રાહુલને કહી શકે છે કે, તેઓ વીર સાવરકર અંગે બે શબ્દો બોલી બતાવે ? શું કોંગ્રેસનો કોઈ નેતા બાલા સાહેબ ઠાકરેજીના સન્માનમાં બે વાંક્યો બોલી શકે છે ? મહાવિકાસ અઘાડીમાં આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે અને તેઓ સરકાર બનાવવાનું સ્વપ્ન લઈને નીકળી પડ્યા છે. આ લોકો મહારાષ્ટ્રની જનતા ઓળખી લે તો સારું...’


તેમણે વધુમાં કહ્યું કે, હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માગું છું કે, તમારે ક્યાં બેસવું છે, તે તમારે જ નક્કી કરવાનું છે. જોકે હું તમને યાદ અપાવવા માગું છું કે, તમે 370ના વિરોધીઓ, રામજન્મ ભૂમિના વિરોધીઓ અને વક્ફ બોર્ડમાં સુધારાનો વિરોધ કરનારાઓ સાથે બેઠા છો.
ભાજપ નેતાએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પત્ર પત્થરની લકીર છે. કેન્દ્ર હોય કે રાજ્ય, જ્યાં અમારી સરકાર બને છે, ત્યાં અમે સંકલ્પો પુરા કરીએ છીએ. જે રાજ્યમાં કોંગ્રેસની શાસન છે, ત્યાં ચૂંટણી પહેલા કરાયેલા વચનો હજુ સુધી પુરા કરાયા નથી અને મહાવિકાસ અઘાડીની કોઈ વિશ્વસનીયતા જ નથી.’