ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડોઃ એપ્રૂવલ રેટિંગ 33% પર ગગડ્યું, 67% અમેરિકનો કામગીરીથી નારાજ

August 18, 2026

રોયટર્સના તાજેતરના સર્વેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો સામે આવ્યો છે. 4 દિવસ સુધી હાથ ધરાયેલા આ સરવેમાં માત્ર 33% લોકોએ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની કામગીરીને યોગ્ય ગણાવી હતી, જ્યારે 67% લોકોએ તેને અયોગ્ય ગણાવી હતી. આ સાથે ટ્રમ્પની એપ્રૂવલ રેટિંગ તેમના વર્તમાન કાર્યકાળના સૌથી નીચા સ્તરે પહોંચી છે. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા સર્વેમાં તેમની એપ્રૂવલ રેટિંગ 35% હતી, જે હવે 2% ઘટીને 33% થઈ છે.

ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યા બાદ તેમની લોકપ્રિયતાને મોટો ફટકો પડ્યો હતો. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. મોટાભાગના અમેરિકનોને હવે એવી ચિંતા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ લાંબો ખેંચાઈ શકે છે, જેના કારણે ટ્રમ્પ પ્રત્યેનો અસંતોષ વધુ વધી રહ્યો છે.

ટ્રમ્પે ચૂંટણી દરમિયાન અમેરિકનોને મોંઘવારી ઘટાડવાનું તેમજ લાંબા સમય સુધી ચાલતા યુદ્ધોથી દેશને દૂર રાખવાનું વચન આપ્યું હતું. ઈરાન સાથે તણાવ શરૂ થયા બાદ પણ તેમણે શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે થોડા અઠવાડિયામાં સંઘર્ષનો અંત આવી જશે. જોકે, સમય પસાર થવા સાથે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી ગઈ અને બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી. આ સ્થિતિએ ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનો અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ કર્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમની અસર હવે ટ્રમ્પની લોકપ્રિયતા પર પણ જોવા મળી રહી છે. રોયટર્સના સરવેમાં એપ્રૂવલ રેટિંગ 33% સુધી પહોંચવું તેમના વર્તમાન કાર્યકાળનું સૌથી નીચું સ્તર છે. બીજી તરફ, 67% લોકો દ્વારા તેમની કામગીરીને અયોગ્ય ગણાવવામાં આવતાં અમેરિકન પ્રમુખ સામે લોકોનો અસંતોષ કેટલો વધ્યો છે તેનો પણ સંકેત મળે છે. ઈરાન સાથેના સંઘર્ષનો અંત ક્યારે આવશે તે અંગે અનિશ્ચિતતા વચ્ચે ટ્રમ્પ માટે લોકપ્રિયતા જાળવી રાખવી પડકારરૂપ બની રહી છે.