Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ

October 20, 2026

અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાયેલી નવેમ્બર 2024ની ચૂંટણીમાં ગેરકાયદે મત આપવાના આરોપસર બે ભારતીય નાગરિકો સહિત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. અમેરિકન ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, આ તમામ લોકો પાસે અમેરિકન નાગરિકતા ન હોવા છતાં ખોટી રીતે મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાન કર્યું હતું. કાયદા મુજબ ગ્રીન કાર્ડ માત્ર કાયમી વસવાટની છૂટ આપે છે, પરંતુ સંઘીય ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર ફક્ત પૂર્ણ નાગરિકો પાસે જ રહેલો છે.

આરોપીઓમાં સામેલ કેલિફોર્નિયાના રાંચો પાલોસ વર્ડેસની રહેવાસી અમનદીપ કૌરે ડિસેમ્બર 2022માં નોંધણી કરાવીને નવેમ્બર 2024ની ચૂંટણીમાં મતદાન કર્યું હતું, જે હાલ નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં છે. જ્યારે સેક્રામેન્ટો ખાતે રહેતા અન્ય ભારતીય કમલેશ શાહે નવેમ્બર 2024માં ચૂંટણીના દિવસે જ નોંધણી કરાવી તે જ દિવસે વોટ નાખ્યો હતો. જોકે, 19 ઑક્ટોબરે કેલિફોર્નિયામાં વહેલી સવારે દરોડા પાડીને પકડાયેલા 11 શખ્સોમાં આ બંને ભારતીયો સામેલ છે કે નહીં તે સ્પષ્ટ કરાયું નથી.

ન્યાય વિભાગે 28 આરોપીઓ વિરુદ્ધ અનધિકૃત મતદાન, બોગસ વિગતોથી મતદાર નોંધણી અને કેટલાક કિસ્સામાં નાગરિકતા અરજીમાં ખોટાં નિવેદનો આપવાના આરોપો મૂક્યા છે, જે હાલ કોર્ટમાં સાબિત થવાના બાકી છે. કાર્યકારી ઉપ એટર્ની જનરલ ટ્રેન્ટ મેકકોટરે સ્પષ્ટ કર્યું કે, આ નામો 20 હજારથી વધુ બિન-નાગરિક શંકાસ્પદ મતદારોની યાદીનો ભાગ છે, જે ગત સપ્તાહે કેલિફોર્નિયાના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવી હતી.

અમેરિકન ન્યાય વિભાગે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે કેલિફોર્નિયાના રાજ્ય ચૂંટણી અધિકારીઓએ શંકાસ્પદ મતદારોના મેઇલ-ઇન બેલેટની નાગરિકતા તપાસ ન થાય ત્યાં સુધી અલગ રાખવાની ફેડરલ માગણી ફગાવી દીધી હતી. ચૂંટણી પંચના આ વલણ સામે ફેડરલ સરકારે હવે કેલિફોર્નિયા રાજ્ય સામે સીધી કોર્ટ કાર્યવાહી પણ હાથ ધરી છે.