Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી

October 20, 2026

ગાંધીનગરના રૂપાલમાં આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. રૂપાલની પલ્લીમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું અને લાખો લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને માતાજીના રથના દર્શન માટે લોકોએ પડાપડી કરી હતી. રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીનો પ્રસિદ્ધ પલ્લી મેળો યોજાયો હતો.

રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નીકળેલી પલ્લી યાત્રામાં ભક્તોએ પોતાની માનતા પૂરી કરવા હજારો લીટર શુદ્ધ ઘી ચઢાવ્યું હતું. જેના કારણે રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી અને ઘીને લોકોએ ટ્રેક્ટરમાં એકઠું કર્યું હતું. પલ્લી શરૂ થતા પહેલા ચાવડા પરિવાર દ્વારા પરંપરા નિભાવવામાં આવી હતી. ત્યાર બાદ પલ્લી ગામના 27 ચોકમાં ફરી હતી.

રૂપાલની પલ્લી યાત્રાનું સૌથી વિશિષ્ટ આકર્ષણ પલ્લી પર કરવામાં આવતો શુદ્ધ ઘીનો અભિષેક રહ્યો હતો. ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે ઘી અર્પણ કર્યું હતું. કેરબા, ડબ્બા અને ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ઘી લાવવામાં આવ્યું હતું અને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. ઘીના અભિષેકને કારણે ગામની ગલીઓ અને માર્ગો પર ઘી વહેતું જોવા મળ્યું હતું. આ અનોખી પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો મોડી રાત સુધી જાગતા રહ્યા હતા અને મકાનોના ધાબા અને આસપાસના ઊંચા સ્થળો પરથી પણ ભાવિકોએ પલ્લીના દર્શન કર્યા હતા.

પલ્લી મહોત્સવને લઈને સમગ્ર રૂપાલ ગામને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે ગામની શેરીઓ અને માર્ગો ભક્તિભાવના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. મહિલાઓ માથે માટલી અને દીવા લઈને દર્શન માટે પહોંચી હતી, જ્યારે યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વયજૂથના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે પણ પરિવાર સાથે દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે બિરાજમાન શ્રી વરદાયિની માતાજીના દર્શન અને પૂજન અર્ચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ઐતિહાસિક અને પરંપરાગત પલ્લી યાત્રા પૂર્વે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યના સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરી.