બોટાદના લાઠીદડ ગામે ઇકો તણાતાં 2 લોકોના મોત, 5 લોકો ગુમ, બે લોકોનો જીવ બચાવાયો

June 18, 2025

છેલ્લા 48 કલાકથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં જાણે કે આભ ફાટયું હોય તેમ સતત બીજા દિવસે દોઢથી આઠ ઈંચ ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. જિલ્લામાં સાર્વત્રિક પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે લાઠીદડ ગામે રાત્રિના સમયે આઠથી નવ વ્યક્તિ સાથેની એક ઈકો કાર પાણીમાં ગરકાવ થઈ જતાં સરકારી તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બે વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે 2 મહિલાનાનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ 5 લોકો ગુમ છે, મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવા છતાં પણ કોઈ પતો લાગ્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત બે દિવસથી બોટાદ તાલુકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે સોમવારે મોડી સાંજના સમયે લાઠીદડથી સાંગાવદર ગામ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહના વહેણમાં એક ઈકો કાર સાથે આઠથી નવ વ્યક્તિ તણાઈ ગયા હતા. જે અંગેની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાબડતોડ દોડી ગઈ હતી અને ફાયર ટીમે એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરીને પ્રિયાંકભાઈ મહેશભાઈ ચૌહાણ (રહે, લાઠીદડ) અને યશવંતભાઈ વાવેતા (રહે, વીછિંયા)ના જીવ બચાવ્યા હતા. સાથે ઈકો કારને પણ શોધી કાઢી હતી. રાતનું અંધારૂં હોવાથી રેસ્ક્યુ કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરી રેસ્ક્યુ  ઓપરેશન હાથ ધરી બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી 5 લોકો ગુમ છે. મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં પાણી ભરાઈ જતા પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાઇ ગયા હતા. મગલાણી નદીમાં પૂરનો પ્રવાહ આવી જતા આ લોકો ફસાઈ ગયા હતાં, જેને બચાવવા માટે તરવૈયાઓ ગયા હતા. જોકે, આ દરમિયાન ઓચિંતો પ્રવાહ વધી જતા તરવૈયાઓ બાવળની ઝાડીમાં ફસાઈ ગયા હતા. જોકે, આ વિશે જાણ થતાં PI બી.ડી જાડેજા દોરડું લઈને તરવૈયાઓને બચાવવા પહોંચ્યા હતા. આ પોલીસ અધિકારીએ પોતાની સૂઝબૂઝના આધારે ત્રણેય તરવૈયાઓને બહાર કાઢ્યા હતા.