10 જ દિવસમાં 7600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: દિલ્હીથી લઈને મુંબઈ સુધી દરોડા

October 11, 2024

દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 7600 કરોડ રૂપિયાના ડ્રગ્સની વસૂલાતમાં PMLA કાયદા હેઠળ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ દિલ્હી એનસીઆર અને મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં EDની ટીમ દિલ્લીના વસંત વિહારમાં આરોપી અને RTI સેલ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તુષાર ગોયલના ઘરે અને રાજૌરી ગાર્ડનમાં તેના અને તેની પત્નીના ઘર, તેમજ પ્રેમ નગરમાં આરોપી હિમાંશુના ઘર, મુંબઈના નાલાસોપારામાં ભારત કુમારના ઘર અને આ સિવાય દિલ્હીના ઝંડેવાલનમાં તુષાર બુક પબ્લિકેશનની ઓફિસ અને ગુરુગ્રામમાં એબીએન બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડી રહી છે.


કાલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશ નગર વિસ્તારમાં દરોડા પાડીને 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અગાઉ 1 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં દરોડા પાડીને 5600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરીને તેના ઠેકાણાઓમાંથી 7600 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

દિલ્લી પોલીસે આ સિવાય 7000 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સની વસુલાત કરી 6 લોકોને લુકઆઉટ સર્ક્યુલર પણ પાઠવ્યું છે. જેમાં ભારતીય મૂળના એક બ્રિટીશ નાગરિક પણ સામેલ છે, જે પશ્ચિમ દિલ્હીમાંથી 208 કિલો ડ્રગ્સની વસુલાત પહેલા દેશ છોડીને ભાગી ગયો હતો. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, તે બ્રિટીશ નાગરિકનું નામ સવિન્દર સિંહ છે. જે ગયા મહીને 208 કિલોના કન્સાઇનમેન્ટની ડિલિવરીની દેખરેખ રાખવા માટે ભારત આવ્યો હતો. જે તે દક્ષિણ અમેરિકાના દેશોમાંથી લાવ્યો હોવાની શંકા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિન્ડિકેટના પહેલા ચાર સભ્યોની ધરપકડ બાદ સવિન્દર યુકે ભાગી ગયો  હતો. પરંતુ તે પહેલાં સવિંદર દિલ્હીમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ લગભગ 25 દિવસ રહ્યો હતો.