ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા

July 04, 2025

ખેડા : રાજ્યમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. ત્યારે ખેડા બસ સ્ટેશન પાસે આવેલી રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અચાનક રાઇસ મિલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગની ગંભીરતાને જોતાં ખેડાના મામલતદાર, પી.આઇ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 


હાલ ફાયર ફાઇટરના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી જોકે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ વિકરાળ હોવાથી આસપાસમાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા છે.