પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના પર ગુસ્સે થયા પૂર્વ CM

July 04, 2025

મંડી : હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ થઈ ગયું છે. રાજ્યમાં મંડીમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીં જાનમાલને ભારે નુકસાન થયું છે. આટલી મોટી આફત છતાં મંડીના લોકસભાના સાંસદ કંગના રનૌતે વિસ્તારની મુલાકાત ન લેતાં રાજકારણ શરુ થઈ ગયું છે. એટલું જ નહીં સ્થાનિક લોકો પણ  નારાજ થઈને સોશિયલ મીડિયામાં કંગના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. બીજીતરફ વિરોધ વધ્યા બાદ કંગનાએ પણ જવાબ આપ્યો છે.


મંડીની સાંસદ હોવા છતાં કંગના રનૌતે સ્થિતિનો તાગ ન મેળવતાં સ્થાનિક લોકો પણ ભડકી ઉઠ્યા છે અને સોશિયલ મીડિયા પર સતત પૂછી રહ્યા છે કે, ‘મંડી મુસીબતમાં છે, કંગના રનૌત ક્યાં છે?’ આફતમાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે, તો બીજીતરફ વિપક્ષ નેતા જયરામ ઠાકુરે કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. આફતનો સામનો કરી રહેલા હિમાચલમાંથી કંગના ગેરહાજર દેખાતાં જયરામ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ કંગનાએ પોતાના બચાવમાં સોશિયલ મીડિયા પર કહ્યું કે, તે ટૂંક સમયમાં પ્રદેશમાં આવશે.


મંડીમાં મેઘતાંડવ બાદ કંગના રનૌત પોતાના મતવિસ્તારમાં ન દેખાતાં તેણી અનેક સવાલો અને ટીકાનો સામનો કરી રહી છે. વિરોધ વધ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું છે કે, તે સિરાજ અને મંડીના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારમાં જવા માંગતી હતી, પરંતુ જયરામ ઠાકુરની સલાહના કારણે અટકી ગઈ છે. જયરામ ઠાકુરે કંગનાને સલાહ આપી હતી કે, વિસ્તારમાં કનેક્ટિવીટી નથી, ત્યાં પહોંચવાની સ્થિતિ પણ ખરાબ છે, તેથી ત્યાં હાલ ન જવું જ યોગ્ય છે.