Breaking News :

બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર મંત્રણા અંતિમ તબક્કામાં

July 03, 2025

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર થઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં મોટી જાહેરાત થઈ શકે છે. ભારત-યુએસ વચ્ચેનો વેપાર કરાર અંતિમ ચરણમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાગુ રેસિપ્રોકલ ટેરિફ પર રોકની ડેડલાઈન 9 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. અગાઉ બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર મહોર વાગવાની હતી, પરંતુ ભારત કૃષિ ક્ષેત્રે પોતાની શરતો પર અડગ રહેતાં ડીલ ખોરંભે પડી હતી.

છેલ્લા થોડા દિવસથી ભારત અને અમેરિકા બંને દેશો તરફથી ટ્રેડ ડીલ પર કરાર મુદ્દે નિવેદનો આવી રહ્યા છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વેપાર કરારની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. ટૂંકસમયમાં જ જાહેરાત થઈ શકે છે. જો કે, ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે અમુક શરતો માનવાનો ઈનકાર કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભારતે કપડાં, જેમ્સ-જ્વેલરી, ચામડું, પ્લાસ્ટિક અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં અમુક રાહતોની માગ કરી છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અમુક શરતો અને અપેક્ષા રાખવામાં આવી હતી. જેમાં અમેરિકા ઇચ્છે છે કે ભારત પોતાનું કૃષિ અને ડેરી બજાર અમેરિકા માટે ખોલે, જેથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અમેરિકન ઉત્પાદનોને ભારત જેવું મોટું બજાર મળી શકે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલી આ માંગણી માટે બિલકુલ તૈયાર નથી, તે પોતાના વલણ પર અડગ છે. ભારત કેટલાક અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદે છે અને અમેરિકા તેને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે. આનું કારણ એ છે કે જો આવું થશે, તો ભારતીય ખેડૂતોને નુકસાન થશે અને તેમને ઉત્પાદનનો યોગ્ય ભાવ મળશે નહીં.

આ અઠવાડિયાની શરૂઆતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત-અમેરિકા વેપાર કરાર અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે એક મોટો અને સારો સોદો કરવા માંગે છે, પરંતુ આ માટે શરતો પણ લાગુ કરવી પડશે. ખાસ કરીને, નાણામંત્રીએ કૃષિ-ડેરી ક્ષેત્ર પર ઊંડાણપૂર્વક વિચારણા પર ભાર મૂક્યો હતો. અમેરિકા સાથેના વેપાર કરાર અંગે ભારત સરકાર દ્વારા પ્રથમ વખત નિવેદન આવ્યું હતું.