અમે જીત્યાં તો બાંગ્લાદેશમાં તાલીબાનીઓ જેવું શાસન, શરિયત કાયદો લાવીશું: કટ્ટરપંથી સંગઠન

July 04, 2025

બાંગ્લાદેશના કટ્ટરપંથી ઈસ્લામી સંગઠન જમાત-ચર મોંઈના પ્રમુખ પીર મુફ્તી સૈયદ મુહમ્મદ ફૈઝુલ કરીમે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ એલાન કર્યું છે કે, 'જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનની જેમ દેશમાં શરિયત કાયદો લાગુ કરીશું.' અમેરિકા સ્થિત એક બાંગ્લા મીડિયા સંસ્થાના સંપાદકને આપેવા ઈન્ટરવ્યુમાં ફૈઝુલ કરીમે કહ્યું કે, 'જો રાષ્ટ્રીય ચૂંટણી જીતીને સરકાર બની તો 'ઈસ્લામિક મૂવમેન્ટ બાંગ્લાદેશ' દેશમાં શરિયત કાયદો લાગુ કરીશું.'


ફૈઝુલ કરીમે અફઘાનિસ્તાનના વર્તમાન શાસન વ્યવસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે, 'અમે અફઘાનિસ્તાનની શાસન વ્યવસ્થાને અપનાવીશું. તાલિબાન સરકારે જે સારું કર્યું છે તેને અમે અમલમાં મૂકીશું. જો અમે સત્તામાં આવીશું તો હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓને શરિયત હેઠળ અધિકારો આપવામાં આવશે.'
ફૈઝુલ કરીમે એ પણ કહ્યું કે, 'અમેરિકા, બ્રિટન અને રશિયા જેવા દેશોની કેટલીક સારી બાબતો હશે તો તેને પણ અપનાવવામાં આવશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું કે, તે બાબત શરિયતના વિરોધમાં ન હોવી જોઈએ.'
જમાત-ચર મોંઈ જેવા સંગઠનોનું ખુલ્લેઆમ ચૂંટણી લડવું અને શરિયત લાગુ કરવાની વાત કરવી, તે એ દર્શાવે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દરમિયાન ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠનો રાજકીય રીતે સક્રિય થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સત્તા પરિવર્તન થયું છે, જ્યાં વિદ્યાર્થી આંદોલન પછી પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારનો સત્તાપલટો અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.


જોકે કરીમે આશ્વાસન આપ્યું છે કે, લઘુમતીઓને શરિયત હેઠળ અધિકારો મળશે, પરંતુ તાલિબાન જેવા શાસન મોડેલના ઉદાહરણને જોતાં આ નિવેદનને લઘુમતીઓના અધિકારો અને લોકશાહી મૂલ્યો માટે ખતરાની ઘંટી માનવામાં આવી રહી છે. માનવ અધિકાર કાર્યકર્તાઓ અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે આવી વિચારધારા દેશની ધર્મનિરપેક્ષતા, મહિલા અધિકારો અને ન્યાય વ્યવસ્થાને નબળી પાડી શકે છે.