રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો, આરતી કરવાની ના પાડતાં ક્ષત્રિય નેતા વિરૂદ્ધ ફરિયાદ

July 02, 2025

રાજકોટ શહેરના રિંગરોડ પર આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ યુવા ગ્રુપના યુવકોને આરતી કરવાની ના પાડતાં મામલો ગરમાયો છે, આરતીનો મુદ્દો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. યુવકોને મહા આરતી કરવાની ના પાડતાં ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ ફોન કરીને અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડી હતી. જો તેમછતાં કરવામાં આવશે લોહિયાળ ક્રાંતિ સર્જાશે.  મંદિર સાથે સંકળાયેલા ક્ષત્રિય આગેવાન હટ્ટીસિંહ જાડેજા ફરિયાદ કરનાર જસ્મીન મકવાણાના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમારા યુવાનો મંદિરમાં પૂજા અર્ચના સહિતના ધાર્મિક કામો કરે છે.  અહીં 1000 થી 1200 શ્રદ્ધાળુઓ પ્રસાદ લે છે અને અમરનાથ નામનું એક યુવા ગ્રુપ ચલાવે છે. ત્યારે ક્ષત્રિય નેતા પી.ટી. જાડેજાએ અચાનક મંદિર ખાતે આવી મંદિરમાં આરતી સહિતના કામો ન કરવા ધમકી આપી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 'જસ્મીનભાઇને ફોન કરીને ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી. પી.ટી. જાડેજાનું કહેવું છે કે હું પ્રમુખ છું, પરંતુ હકિકતમાં પી.ટી. જાડેજા પ્રમુખ નથી. 2007થી આ ટ્રસ્ટ ફાજલ થઇ ગયું છે. તેમના દ્વારા કહેવામાં આવે છે કે આરતી બંધ કરી દેજો નહીંતર અહીંયા લોહિયાળ ક્રાંતિ થશે. હું પ્રમુખ છું, હું કહું એમ કરવાનું અને મારું નામ લેવાનું. અમારી જાણ મુજબ તે પ્રમુખ નથી,  અમે આરટીઆઇ દ્વારા માહિતી માંગી છે. ' આ મામલે અમને યુવકોએ જાણ કરતા અમારા સદસ્યોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ આ  સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન સામે પણ આવ્યું છે. અક્ષિતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે 'મારા પિતાને 2004થી મંદિરના ટ્રસ્ટ્રીઓએ તેમને પ્રમુખ બનાવ્યા હતા. અમુક લોકો જે એમ કહે છે કે અમે ટ્રસ્ટ્રીઓ છીએ, પરંતુ તે છેલ્લા 15-17 વર્ષથી કોઇ આવ્યું નથી. જે પણ ફેરફાર રિપોર્ટ છે, તે બધુ ચેરિટીમાં રજૂ કર્યું છે. આ યુવા ગ્રુપ છે તેને મંદિરનો કબજો મેળવવો છે. ગમે તેમ કરીને ખોટા સાબિત કરીને આ વસ્તુ ઉભી કરી છે. જો તેમને બે મહિના પહેલાં અરજી કરી હોય તો પછી હવે બે મહિના બાદ કેમ ફરિયાદ કરી.'