CBSE વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, ચેરમેન અને સચિવને હટાવાયા

June 03, 2026

દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આજે બે મોટા નિર્ણય લીધા છે. ધોરણ-12મીની પરીક્ષાના મેનેજમેન્ટ, મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી તકનીકી તેમજ વ્યવહારિક ખામીઓ અને જવાબદારી નક્કી કરવા માટે સરકારે જૂના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે, તો બીજીતરફ આ બંને પદ પર નવી નિમણૂંક પણ કરી દીધી છે. સરકારે જુના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. તેમના સ્થાને હવે સિનિયર IAS લોખંડે પ્રશાંત સીતારામને CBSE ના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. લોખંડે પ્રશાંત સીતારામ હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ AGMUT કેડરના આઈએએસ અધિકારી છે, જેમણે બી.ઈ. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તેમનું ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર છે. અધ્યક્ષ અને સચિવને હટાવવાની સાથે જ કેન્દ્ર સરકારે CBSE દ્વારા 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. કેપેસિટી બિલ્ડિંગ કમિશનના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિ ટેન્ડર અને ખરીદી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. સરકારી આદેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગોના અધિકારીઓની મદદ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા કેટલાક સમયથી CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ અને મૂલ્યાંકન પદ્ધતિ સામે વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા સવાલો ઉઠાવી પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક એક્શનને બોર્ડની કામગીરીમાં જવાબદારી નક્કી કરવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.