અમદાવાદ પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાના 3 અધિકારીને હટાવવાનો આદેશ

June 21, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા DGCAએ એરલાઇન્સના ત્રણ અધિકારીને હટાવવાનો નિર્ણય લીધો છે. ક્રૂના ટાઈમ ટેબલમાં પણ અનિયમિતતાના આરોપો લાગ્યા છે. ગંભીર અનિયમિતતાને કારણે DGCAએ એર ઇન્ડિયાના ત્રણ સિનિયર અધિકારીને તાત્કાલિક અસરથી ક્રૂ શિડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. વારંવાર ગંભીર ભૂલો અને નિયમોના ઉલ્લંઘન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

એર ઇન્ડિયાને ક્રૂ શિડ્યૂલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય અધિકારી સામે તાત્કાલિક આંતરિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ 10 દિવસની અંદર DGCA ઓફિસમાં સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 20 જૂને જારી કરાયેલા આદેશમાં એર ઈન્ડિયાને તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખરેખરમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક-ઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું, જેમાં મુસાફરો સહિત કુલ 270 લોકો માર્યા ગયા હતા.

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે DGCAના આદેશનો સ્વીકાર કર્યો છે અને એને લાગુ કર્યો છે.