અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પરમિટનો 540 દિવસનો ગ્રેસ પીરિયડ કાયમ માટે નાબૂદ

October 14, 2026

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા ઇમિગ્રન્ટ્સના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, DHS દ્વારા એવી નીતિને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જેની મદદથી ઘણા ઇમિગ્રન્ટ્સ તેમની વર્ક પરમિટ એક્સપાયર થયા પછી પણ, રિન્યુઅલ અરજી પેન્ડિંગ હોય ત્યારે વધારાના 540 દિવસ સુધી કામ ચાલુ રાખી શકતા હતા. આ નવો અંતિમ નિયમ 14 ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થવાની સાથે જ લાગુ થઈ ગયો છે.

ઓટોમેટિક એક્સટેન્શન બંધ: વર્ક પરમિટ રિન્યુઅલ માટે અરજી પેન્ડિંગ હોય તે દરમિયાન મળતું ઓટોમેટિક એક્સટેન્શન હવે નાબૂદ કરવામાં આવ્યું છે. એટલે કે, પરમિટની મુદત પૂરી થતાં જ કામદારનો કામ કરવાનો અધિકાર (Work Authorization) પણ સમાપ્ત થઈ જશે, ભલે તેનું રિન્યુઅલ પેન્ડિંગ કેમ ન હોય.

અરજી કરવાની મર્યાદા: વિદેશી કામદારો તેમની વર્ક પરમિટ એક્સપાયર થવાના 180 દિવસ અગાઉથી રિન્યુઅલ માટે અરજી કરી શકશે નહીં.

અગાઉ આ 540 દિવસની એક્સટેન્શન વિન્ડો એટલા માટે દાખલ કરવામાં આવી હતી કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)માં પ્રોસેસિંગમાં થતા વિલંબના કારણે કોઈપણ ઇમિગ્રન્ટ કામદારને નોકરીમાંથી હાથ ધોવા ન પડે. જો કે, વર્તમાન વહીવટીતંત્ર હેઠળ એજન્સીએ ઇમિગ્રન્ટ્સ માટે વર્ક પરમિટ મેળવવામાં અથવા રિન્યુ કરવામાં અનેક નવા નિયમો અને અવરોધો ઊભા કર્યા છે.

આ નીતિની સીધી અસર એવા અનેક ઇમિગ્રન્ટ્સ પર પડશે જેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs) પર નિર્ભર છે; જેમાં શરણાર્થીઓ (Asylum seekers) અને H-1B વિઝા ધારકોના જીવનસાથી (H-4 વિઝા ધારકો) સામેલ છે. DHSનું માનવું છે કે ટૂંકા એક્સટેન્શન સમયગાળાથી અરજદારોની પાત્રતા અને સુરક્ષા બાબતોની વધુ નિયમિત અને ઝીણવટભરી ચકાસણી (Vetting) થઈ શકશે.