બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારત પર તૂટી પડતાં 19 મોત

July 21, 2025

બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઈની વિમાન આજે બપોરે 1:30 વાગ્યે રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ વિમાન માઈલસ્ટોન કોલેજના ઉત્તરમાં કેમ્પસ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. માહિતી અનુસાર આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર દિશામાં કેમ્પસમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 

હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટી કરી હતી પણ દુર્ઘટનાના કારણો કે જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નહોતી. જો કે મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો પ્રમાણે 19 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે. 

વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. માહિતી અનુસાર F7 ફાઈટર જેટ ચીનનું વિમાન છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ બાંગ્લાદેશ સૈન્યના જવાન અને ફાયર સર્વિસ તથા સિવિલ ડિફેન્સની આઠ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 

એક અધિકારીએ કહ્યું કે બપોરે અમને વિમાન દુર્ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ ત્રણ યુનિટનને ઘટનાસ્થળે રેસ્ક્યૂ કામગીરી સોંપવામાં આવી હતી. જોકે બે અન્ય એકમ રોડના ભાગમાં તહેનાત છે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જોકે જાનહાનિની સંખ્યા કે દુર્ઘટનાના કારણો વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પાયલટની સ્થિતિ વિશે પણ કોઈ ચોક્કસ અહેવાલ સામે આવ્યા નથી.