ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય

July 21, 2025

આજથી શરૂ થયેલ સંસદના ચોમાસુ સત્રમાં પહલગામ અને ઓપરેશન સિંદૂર મામલે ભારો હોબાળો થયો છે, જેના કારણે ગૃહની કાર્યવાહી દિવસમાં ચાર વખત સ્થગિત થયા બાદ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ છે. સંસદની કામગીરી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીને નિવેદન આપવાની માગ કરી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ વિપક્ષની પ્રબળ માંગ બાદ બિઝનેસ એડવાઇઝરી કમિટીએ કરી જાહેરાત કરી છે કે, ઓપરેશન સિંદૂર અંગે આગામી સપ્તાહના સત્રમાં લોકસભામાં 16 કલાક અને રાજ્યસભામાં 9 કલાક ચર્ચા કરાશે.

આ પહેલા સંસદના સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોમાં પહલગામ અને ઓપરેશન સિંદૂર મામલે ભારે હોબાળો થયો હતો. વિપક્ષો આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવાની સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આખા દિવસમાં લોકસભા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે ચાર વાગે કાર્યવાહી શરૂ કરતાની સાથે જ મંગળવાર 11.00 કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિપક્ષે આ સપ્તાહે જ ચર્ચા યોજવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ વડાપ્રધાનના નિર્ધારિત વિદેશ પ્રવાસને ધ્યાનમાં રાખીને આ મામલો આગામી સપ્તાહ સુધી મુલતવી રાખવો પડ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે ચર્ચા માટે માંગેલા આઠ વિષયોમાંથી 'ઓપરેશન સિંદૂર' એક હતો. ગયા અઠવાડિયે 24 વિપક્ષી પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં આ વિષયો નક્કી કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકારની સંમતિ મળી ગઈ છે. આજે વહેલી સવારે ચોમાસુ સત્ર પહેલા મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને રાષ્ટ્ર માટે 'વિજય ઉત્સવ' ગણાવ્યો હતો અને તેને ભારતીય સશસ્ત્ર દળોની તાકાતના પ્રમાણપત્ર તરીકે વર્ણવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘આ ચોમાસુ સત્ર એક 'વિજય ઉત્સવ' છે. સમગ્ર વિશ્વએ ભારતીય સશસ્ત્ર દળોની તાકાત જોઈ છે. ઓપરેશન સિંદૂર માટે નિર્ધારિત ઉદ્દેશ્ય 100 ટકા સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો છે. માત્ર 22 મિનિટમાં આપણી સેનાએ આતંકવાદીઓને તેમના જ ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા.’