ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું

July 21, 2025

એક તરફ ગુજરાતમાં વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. રોજગારીની ખૂબ તકો છે તેવી સત્તાધીશો બડાઇ હાંકી રહ્યાં છે. અન્ય રાજ્યોની હરોળમાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ, કારમી મોઘવારીમાં જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યાં છે. બેરોજગારી અને આર્થિક સંકડામણના કારણે લોકો પરિવાર સાથે જીવનલીલા સંકેલવા મજબૂર બન્યાં છે. વિકાસની આંધળી દોટ વચ્ચે વિકસિત ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે. રવિવારે અમદાવાદ નજીક બગોદરામાં એક પરિવારે ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી હતી. વિકાસની દુહાઇ દેવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા દિને દિને વકરી રહી છે. મોઘવારીએ માઝા મૂકી છે ત્યારે પરિવારનું જીવન નિર્વાહ કરવું એ પડકારજનક બન્યું છે. સામાજિક અસુરક્ષાનો ડર સતાવી રહ્યો છે ત્યારે લોકો ના છુટકે દેવું કરવા મજબૂર બન્યા છે. વ્યાજના ચક્કરમાં ફસાઇ લોકો આખરે જીવન ટૂંકાવી રહ્યાં છે.   રોજનું કમાઇને રોજનું ખાનારાઓની દશા વઘુ દયનીય બની છે. ઓછી આવક સામે વઘુ ખર્ચ થઈ રહ્યો છે. આ કારણોસર ખેતમજૂરો, રોજમદારો, લારી-પાથરણાં વાળા, ફેરિયા, શ્રમિકો વઘુ આત્મહત્યા કરી રહ્યાં છે. છેલ્લાં છ વર્ષમાં જ 16,862 રોજમદારોએ આત્મહત્યા કરી છે. ખેતમજૂરો, રોજમદારો, લારી-પાથરણાં વાળા, ફેરિયા, શ્રમિકોની આત્મહત્યાના કિસ્સામાં 50.44%નો વધારો થયો છે.  એક તરફ, સરકાર સરકારી તાયફા, ઉત્સવો ઉજવવામાં મસ્ત બની છે તો બીજી તરફ, લોકો દેવાના ડુંગર તળે દબાયા છે. આવકનો કોઇ મુખ્ય સ્ત્રોત ન હોવાથી ગરીબ-મઘ્યમ વર્ગ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના મતે, પ્રગતિશીલ ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ 25,478 લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે બે વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં પ્રત્યેક બાળક રૂ.46,384ના દેવા સાથે જન્મે છે જ્યારે દરેક ખેડૂતના માથે રૂ.90,000નું દેવું છે.  ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. પરિસ્થિતી ચિંતાજનક બની છે ત્યારે સરકાર અસંવેદનશીલ બની રહી છે. સામાજીક-આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો, માનસશાસ્ત્રી ઉપરાંત શૈક્ષણિક-સામાજીક સંસ્થાઓનો સહયોગ મેળવી આ દિશામાં અસરકારક પગલાં લે તો આત્મહત્યા થતી અટકાવી શકાય તેવો સૂર ઉઠ્યો છે.