કાબુલમાં 2030 સુધીમાં એક ટીપા પાણી માટે તરસશે લોકો : રિપોર્ટ

July 21, 2025

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ દુનિયાની પહેલી એવી રાજધાની બની શકે છે, જ્યાં 2030 સુધીમાં પાણી સંપૂર્ણ રીતે પુરી થઈ જશે. આ એલર્ટ Mercy Corps ની એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આબોહવા પરિવર્તન, શહેરીકરણ અને સરકારની લાપરવાહીને કારણે આ સંકટ વધતુ જાય છે. 

કાબૂલમાં દર વર્ષે જેટલુ જમીનમાંથી પાણી નિકળે છે, તે તેની પ્રાકૃતિક પુન:પૂર્તિથી 44 મિલિયન ક્યૂબિક મીટર વધારે છે. આ જ કારણ છે કે શહેરના લગભગ અડધા બોરવેલ પહેલેથી જ સુકાઈ ગયા છે. એક્સપર્ટનું કહેવું છે કે જો આ સ્થિતિ ન સુધરી તો 2030 સુધીમાં અહીં ભૂજળ સંપૂર્ણ રીતે પુરુ થઈ જશે. 

30 વર્ષ પહેલા કાબૂલની જન સંખ્યા 20 લાખથી પણ ઓછી હતી. પરંતું 2001 બાદ તેમાં ખૂબ મોટો વધારો થયો છે. વસ્તી વધવાની સાથે પાણીની માંગમાં પણ વધારો થયો છે. જો કે શહેર સંપૂર્ણ રીતે ભૂજળ પર નિર્ભર છે. પરંતું તે જલ્દીથી ખલાસ થવાના આરે છે. 

કાબૂલનું 80 ટકા કરતા વધારે ભૂજળ પ્રદૂષિત છે. આ પાણી પીવાથી લોકોને સતત ડાયેરિયા, ઉલ્ટી જેવી સમસ્યાઓ સર્જાય છે. તૈમાની જીલ્લાના એક સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં પાણી પીવા કે બ્રશ કર્યા બાદ તેમનું ફેમિલી બિમાર થઈ જાય છે. ઘણા પરિવારોને શુદ્ધ પાણી ખરીદવા કે મોંઘા બોરવેલ ખોદાવવા માટે ખાવા પીવાની વસ્તુઓ છોડવી પડે છે. અને જે આ ખર્ચ ઉઠાવી શકતા નથી તેઓ મસ્જીદમાંથી પાણી લાવે છે અથવા તો ટેન્કરો પર નિર્ભર રહે છે.