ટ્રમ્પનું ફરી બેજવાબદારીભર્યું વર્તન, પૂર્વ US પ્રમુખ ઓબામાની ધરપકડ દર્શાવતો AI વીડિયો શેર કરતા વિવાદ

July 21, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સોમવારે બરાક ઓબામાનો એક વીડિયો પોસ્ટ કર્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવાયેલા આ વીડિયોમાં અમેરિકન પ્રમુખની વ્હાઈટ હાઉસમાં આવેલી ઓવલ ઓફિસમાં ઓબામાની ધરપકડ થતી અને પછી એમને જેલવાસ થતો બતાવાયો છે. આ વીડિયોમાં ટ્રમ્પ ઓબામાની ધરપકડ વખતે હસતા જોવા મળે છે.

વીડિયોની શરૂઆત ઓબામાના જૂના નિવેદનથી થાય છે, જેમાં તેઓ કહે છે કે, ‘ખાસ કરીને પ્રમુખ કાયદાથી ઉપર છે.’ ત્યારબાદ યુએસના અન્ય રાજકીય નેતાઓના દ્રશ્ય દેખાય છે, જેમાં તેઓ કહે છે, ‘કોઈ પણ કાયદાથી ઉપર નથી.’ વીડિયોનો એ પછીનો ભાગ AIની મદદથી બનાવાયો છે, જેમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને ઓબામા બેઠા છે. ત્યાં અચાનક બે એફબીઆઈ એજન્ટ આવી જાય છે અને ઓબામાને ઘૂંટણિયે પાડીને ખૂબ અપમાનજનક રીતે તેમને હાથકડી પહેરાવે છે. એ પછી ઓબામા કેદીના નારંગી રંગના કપડાં પહેરીને જેલમાં બેઠેલા અને ચાલતા જોવા મળે છે. ઓબામા સાથે થતું અપમાનજનક વર્તન જોઈને ટ્રમ્પ હસતા દેખાય છે.