કેન્દ્રના મૌન બદલ 27 જાન્યુઆરીએ બેન્કોની હડતાળ, અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે રાખવાની માગણી

January 10, 2026

બેન્ક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસનું કાર્યસપ્તાહ કરવાની માંગણી બાબતે કેન્દ્ર સરકાર છેલ્લા દસ વર્ષથી મૌન સેવી રહી છે. આ વલણના વિરોધમાં આગામી 27મી જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જોકે બેન્ક મેનેજમેન્ટ આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી મંજૂરી ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મહામંત્રીના જણાવ્યા અનુસાર, જો શનિવારે રજા આપવામાં આવે તો બેન્કના કર્મચારીઓ બાકીના પાંચ દિવસ દરમિયાન રોજની 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે, જેથી બેન્કિંગ કામકાજ પર કોઈ વિપરીત અસર ન પડે. વધુમાં, ડિજિટલ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ વધવાને કારણે બેન્ક શાખાની પ્રત્યક્ષ મુલાકાત લેતા ગ્રાહકોની સંખ્યામાં 70 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આથી, બદલાતા સમય અને ટેકનોલોજીના પ્રસારને જોતા પાંચ દિવસનું કાર્યસપ્તાહ વ્યવહારુ હોવાનું એસોસિયેશનનું માનવું છે. સામે પક્ષે, સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) મેળવનારા નાના ખાતેદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે બેન્ક કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે. તેની સરખામણીએ બેન્કમાં સ્ટાફની સંખ્યા સતત ઘટી રહી છે. આ નાના ખાતેદારોમાં બેન્કિંગ પ્રત્યે પૂરતી જાગૃતિ ન હોવાથી અને તેમને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ આવડતો ન હોવાથી, કર્મચારીઓએ તેમની નાની-નાની કામગીરીમાં મદદ કરવી પડે છે. બેન્ક કર્મચારીઓને ચેકની સ્લીપ ભરી આપવાથી માંડીને પાસબુક મશીનમાં એન્ટ્રી કરી આપવા જેવા કાર્યો પણ કરવા પડે છે.  સરકારની અંદાજે 30 જેટલી યોજનાઓના નાણાં સીધા ખાતામાં જમા થાય છે અને ખાતેદારો રકમ જમા થતાની સાથે જ તેનો ઉપાડ કરી લે છે. પરિણામે, બેન્કને આ નાણાંથી આર્થિક રીતે મોટો લાભ થતો નથી, પરંતુ વહીવટી કામગીરીમાં ખાસ્સો વધારો થાય છે.