એઆઈ નિષ્ફળ રહેતાં ફોર્ડ કંપનીએ 350 અનુભવી ઇજનેરોને ફરીથી નોકરી પર બોલાવ્યા

June 30, 2026

વોશિંગ્ટન સ્થિત અમેરિકન કાર નિર્માતા કંપની ફોર્ડે એઆઇ અને સ્વયંસંચાલિત ગુણવત્તા પ્રણાલીઓ પાસેથી ધારેલા પરિણામ ન મળતા છેલ્લા 3 વર્ષમાં પોતાના 350 અનુભવી ઇજનેરોને પરત બોલાવ્યા છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેમણે ઇજનેરોના દાયકાઓના વાસ્તવિક અનુભવને અવગણીને ઓટોમેશન પર વધુ પડતો ભરોસો મૂક્યો હતો. જોકે, આ માનવ નિષ્ણાતોની વાપસીથી કંપનીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના પરિણામે ફોર્ડની મુખ્ય કાર બ્રાન્ડને પ્રતિષ્ઠિત જેડી પાવર ઇનિશિયલ ક્વોલિટી સર્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

ફોર્ડના વાહન હાર્ડવેર ઇજનેરી વિભાગના ઉપાધ્યક્ષ ચાર્લ્સ પુને આ અંગે જણાવ્યું હતું કે કંપનીએ કૃત્રિમ બુદ્ધિમત્તાની ક્ષમતાનો ખોટો અંદાજ લગાવ્યો હતો. શરૂઆતમાં એવું માની લેવામાં આવ્યું હતું કે માત્ર એઆઇના ઉપયોગ અને ડિઝાઇન સંબંધિત જરૂરિયાતો આપવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો તૈયાર કરી શકાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એઆઇ એક સાધન માત્ર છે, જેને જેટલી સચોટ માહિતી આપવામાં આવે તેટલું જ તે શ્રેષ્ઠ કામ કરી શકે છે. ભૂતકાળમાં અનુભવી ઇજનેરો જ્યારે કંપની છોડી રહ્યા હતા ત્યારે તેમના જ્ઞાનને સાચવવા માટે યોગ્ય પગલાં લેવાયા ન હતા, જેના કારણે એઆઇ સિસ્ટમને વાસ્તવિક દુનિયાના નિષ્ણાત અનુભવનો લાભ મળી શક્યો ન હતો.

આ સમસ્યાના નિવારણ માટે કંપનીએ 350 થી વધુ જૂના અને અનુભવી ઇજનેરોને ફરીથી સેવામાં જોડ્યા છે. 'ગ્રે બિયર્ડ' તરીકે ઓળખાતા આ નિષ્ણાતો હવે યુવા કર્મચારીઓને માર્ગદર્શન આપવાની સાથે એઆઇ સાધનોને ફરીથી તાલીમ આપવાનું મહત્વનું કામ કરી રહ્યા છે. કંપનીના મુખ્ય સંચાલન અધિકારી કુમાર ગલહોત્રાએ સ્પષ્ટ કર્યું કે ફોર્ડની સ્થિતિ સુધારવાની નવી રણનીતિના કેન્દ્રમાં આ અનુભવી ઇજનેરો જ છે. તેઓ ગુણવત્તાની ચકાસણીમાં મોખરે રહીને સમસ્યા સર્જાય ત્યારે તેને ઉકેલવાના બદલે સમસ્યા ઊભી જ ન થાય તે માટે અગમચેતી રાખવામાં નિષ્ણાત સાબિત થયા છે.

જોકે, ફોર્ડ કંપનીએ એ પણ ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે તેઓ કૃત્રિમ બુદ્ધિમત્તાનો સંપૂર્ણપણે ત્યાગ કરી રહ્યા નથી. તેના બદલે, અનુભવી ઇજનેરોની મદદથી એઆઇને વધુ સચોટ માહિતી પૂરી પાડીને તેને વધુ સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. અલગ અલગ પરિસ્થિતિઓમાં વાહનોની ક્ષમતા પારખવા માટે તૈયાર કરાયેલા સોફ્ટવેરમાં એઆઇની મદદથી 1 લાખ કરતાં વધુ નવી ચકાસણી પ્રક્રિયાઓ ઉમેરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાને કારણે હવે ગ્રાહકને વાહનની ડિલિવરી આપવામાં આવે તે પહેલાં જ કોઈપણ સંભવિત ખામીને સરળતાથી ઓળખી શકાય છે.