બુલેટ ટ્રેન માટે દહાણુ-અંબરસેરાઈ વચ્ચે પાવર લાઈન માટે ચેરના જંગલો કાપવા બોમ્બે હાઈકોર્ટે મંજૂરી આપી

August 05, 2026

મુંબઈમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટને લઈને બોમ્બે હાઈ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈ કોર્ટે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોર માટે અત્યંત મહત્વપૂર્ણ એવી 13 કિમી લાંબી પાવર ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ માટે મેન્ગ્રોવ્ઝ એટલે કે ચેરના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી અને નોંધ્યું હતું કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની ખંડપીઠે નોંધ્યું હતું કે દહાણુ અને અંબરસેરાઈ પાલઘર જિલ્લો વચ્ચેની ટ્રાન્સમિશન લાઈન માટે મેન્ગ્રોવ્ઝને અન્યત્ર ખસેડવા અને વૃક્ષો કાપવાના પ્રસ્તાવની સત્તાવાળાઓ દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને તેને મંજૂરી આપવામાં આવી છે. મેન્ગ્રોવ્ઝ એટલે કે દરિયાકાંઠાના વૃક્ષો કાપવાની મંજૂરી આપતી વખતે કોર્ટે અવલોકન કર્યું હતું કે ટ્રાન્સમિશન લાઈન એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ હિસ્સો છે, જે રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

પાલઘર જિલ્લામાં હાલના દહાણુ સબ-સ્ટેશનથી પ્રસ્તાવિત અંબરસેરાઈ ટ્રેક્શન સબ-સ્ટેશન સુધી 132 કેવી ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ અને બિછાવવાની કામગીરી માટે મેન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી માંગતી મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડની અરજી પર કોર્ટે આ આદેશ પસાર કર્યો હતો. હાઈ-સ્પીડ રેલ સિસ્ટમને અવિરત વીજળી પુરવઠો પૂરો પાડનાર આ પ્રસ્તાવિત ટ્રાન્સમિશન લાઈન જેની લંબાઈ આશરે 13 કિલોમીટર છે તેના અમુક ભાગો મેન્ગ્રોવ્ઝ જંગલની જમીન તથા ખાનગી જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે.

કોર્ટે રાજ્ય સરકારને 4 અઠવાડિયાની અંદર નિર્દેશોનું પાલન અને અમલીકરણ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો.