ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ

September 20, 2026

નવી દિલ્હી : દુનિયા પર અલ નીનોનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે ભારતના ૧૮૦થી વધુ વૈજ્ઞાાનિકોએ ભારત સરકારને દેશમાં નવેમ્બર મહિનાથી આગામી વર્ષ સુધી 'પ્રલય' જેવા હવામાનની ચેતવણી આપી છે. પર્યાવરણ અને હવામાન વૈજ્ઞાાનિકોએ અત્યંત શક્તિશાળી અલ-નીનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકાર, સંશોધન સંસ્થાઓ અને ફન્ડિંગ એજન્સીઓને તેનો સામનો કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવા હાકલ કરી છે, જેથી નુકસાન થયા પછી અભ્યાસ કરવાના બદલે પહેલાથી જ નિરીક્ષણ અને રેકોર્ડની વ્યવસ્થા કરી શકાય.


દેશના ૧૮૦થી વધુ પર્યાવરણ અને હવામાન વૈજ્ઞાાનિકોએ આગામી શક્તિશાળી અલ-નીનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ૨૦૨૬-૨૭નો અલ નીનો સામાન્ય વર્ષો કરતાં અનેક ઘણો વધુ વિનાશક હોઈ શકે છે. ભારતના જંગલો, નદીઓ, સમુદ્રો, પર્વતો તથા વન્યજીવો પર ગંભીર અસર કરી શકે છે. આ વૈજ્ઞાાનિકોનું સંશોધન ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જેનોડો પ્લેટફોર્મ પર સુપર અલ નીનોની દસ્તક ઃ ૨૦૨૬-૨૭માં ઈકોલોજિસ્ટ માટે ચેતવણી અને પડકાર નામથી પ્રકાશિત થયું છે.


અલ નીનો પ્રશાંત મહાસાગર સાથે સંકળાયેલી એવી પ્રાકૃતિક જળવાયુ ઘટના છે, જેમાં સમુદ્રની સપાટી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. તેની અસર દુનિયાના અનેક ભાગોના હવામાન પર પડે છે. વૈજ્ઞાાનિકો મુજબ આ વખતે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન અસામાન્યરૂપે વધ્યું છે, તેથી આગામી મહિનાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ સ્થિતિ સામાન્ય અલ નીનોથી અલગ હોઈ શકે છે. વૈજ્ઞાાનિકોને આશંકા છે કે નવેમ્બર ૨૦૨૬થી આગામી વર્ષ સુધી ભારતના અનેક રાજ્યોમાં સામાન્યથી વધુ ગરમી અને સુષ્ક વાતાવરણ જોવા મળી શકે છે. અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો થયો છે ત્યારે પાણીની અછત પણ વધી શકે છે, જેની સીધી અસર ખેતી, જંગલો અને પશુપાલન પર પડશે. રણ ક્ષેત્રો અને પર્વતીય વિસ્તારોમાં વૃક્ષો અને પ્રાણીઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. શહેરોમાં કોંક્રિટ અને રસ્તાના કારણે ગરમી અસાધારણ રીતે વધી શકે છે. લાંબા સમય સુધી ચાલનારી તિવ્ર ગરમીથી લોકોના સ્વાસ્થ્ય અને શહેરોમાં વૃક્ષો માટે પડકારરૂપ બની શકે છે.