ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી

July 23, 2025

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ એગ્રિમેન્ટને ગઈકાલે મંગળવારે ભારતીય કેબિનટે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર દિવસીય વિદેશ યાત્રા દરમિયાન 24 જુલાઈના રોજ લંડનમાં આ ડીલ પર હસ્તાક્ષર કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી પહેલાં યુકે અને બાદમાં માલદીવ જશે. તેમની સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે.

આ કરાર સત્તાવાર રૂપે કમ્પ્રેસિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) તરીકે ઓળખાય છે. તેનો ઉદ્દેશ 2030 સુધી ભારત-યુકે વેપારને બમણો કરી 120 અબજ ડોલરે પહોંચાડવાનો છે. 

ભારત-યુકે ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત ભારતમાંથી ચામડું, જુતા, અને વસ્ત્રો જેવા શ્રમ-પ્રધાન પ્રોડક્ટ્સની નિકાસ પર લાગુ ટેક્સનો બોજો દૂર થશે. યુકેમાંથી વ્હિસ્કી, કારની આયાત પર ડ્યુટીમાં ઘટાડો થશે. આ કરારમાં સેવાઓ, ઈનોવેશન, બૌદ્ધિક સંપદા અધિકારો અને સરકારી ખરીદી જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેના પર બંને દેશોના વાણિજ્ય મંત્રીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે. બાદમાં યુકે સંસદની મંજૂરી પછી અમલમાં આવશે.