'ધનખડે લિમિટ ક્રોસ કરી હતી', ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો

July 23, 2025

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે આ મુદ્દે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સરકાર સાથે જોડાયેલા લોકો તરફથી હાલ સીધી પ્રતિક્રિયા સામે આવી રહી છે તો બીજી બાજું વિપક્ષ એકદમ આક્રામક મૂડમાં છે. આ સંદર્ભે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે એક અલગ થિયરી આપી છે. એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, જગદીપ ધનખડને એટલે રાજીનામું આપ્યું કારણ કે, તેમણે પોતાની હદ વટાવી દીધી હતી. એવામાં સરકાર સાથે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી. 

ચિદમ્બરમે કહ્યું કે, 'જસ્ટિસ યશવંત વર્મા સામેના પ્રસ્તાવને સ્વીકાર કર્યા બાદ કદાચ ધનખડે સરકાર સાથે પોતાના સંબંધો બગાડી દીધા હતા. ધનખડ અને સરકાર એક પોઇન્ટ પર આવીને અસંમત હતા. જ્યારે સરકારે તેમના પરથી વિશ્વાસ ગુમાવી દીધો એટલે તેમને પદ છોડી દેવું પડ્યું. રાજ્યસભામાં સત્તાવાર રીતે રાજીનામાંની જાહેરાત એ વાતનો સંકેત છે કે, સરકાર અને ધનખડ વચ્ચેનું આપસી સન્માન સંપૂર્ણ રૂપે ખતમ થઈ ચુક્યું છે.'

એટલું જ નહીં, ચિદમ્બરમે તો એ પણ કહ્યું કે, 'છેલ્લાં એક વર્ષથી ધનખડ ન્યાયપાલિકા સાથે જોડાયેલા મુદ્દા પર સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આ સરકાર ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી કોઈ તેમની લાઇન પર ચાલતું રહે. પરંતુ, જેવું કોઈ પોતાનું મંતવ્યુ મૂકે છે કે, તુરંત સમર્થન પાછું ખેંચી લે છે.' જોકે, ચિદમ્બરમે એવી પણ સ્પષ્ટતા કરી કે, એવું નથી કે હું એવું કહું છું કે, તેમની સાથે આ જ બન્યું છે પરંતુ, કંઇક તો જરૂર બન્યું છે.