ગ્વાલિયરમાં પૂર ઝડપે આવતી કારે કાવડીયાઓને ઉડાવ્યા, 4ના મોત

July 23, 2025

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. કારે કાવડિયાઓને અડફેટે લેતા 4 કાવડિયાઓના મોત થયા છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે શહેર પોલીસ અધિક્ષક હિના ખાને જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે શીતલા માતા હાઇવે પર એક માર્ગ અકસ્માત થયો છે જેમાં કેટલાક કાવડ યાત્રીઓને ફુલ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી. 

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સારવાર માટે JHમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.  મૃતકોના પરિવારે જણાવ્યું હતું કે કુલ 13 લોકો હતા, જેમાંથી 6 લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા. 

આ ઘટનાને પગલે કાવડિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા કાવડિયાઓ અને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને JAH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.