ઈઝરાયેલે સીરિયાની રાજધાનીમાં હુમલો કરતાં ટ્રમ્પ ગુસ્સે થયા

July 23, 2025

જગત જમાદારનો ઝંડો લઈને ફરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂથી નારાજ ચાલી રહ્યા છે અને એનું કારણ એ છે કે ઇઝરાયલે તાજેતરમાં સીરિયા પર ભારે બોમ્બમારો કરીને દુશ્મન દેશમાં ભારે તબાહી મચાવી છે. આ વાત છે આજથી થોડા દિવસો પહેલા એટલે કે ગયા અઠવાડિયાની જ્યારે ઇઝરાયલે સીરિયાની રાજધાની પર જોરદાર હવાઈ હુમલો કર્યો હતો.

ઇઝરાયલે આ વખતે યુદ્ધને વધારે ઘાતક બનાવતા સિરિયાના દમાસ્કસ અને દક્ષિણ શહેર સુવેઇદા પર ઘાતક હુમલા કર્યા હતા. ઇઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસ અને દક્ષિણ શહેર સુવેઇદા પર હુમલો કરતાની સાથેજ વ્હાઇટ હાઉસ ખાતે વાતાવરણ ગરમાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ ઇઝરાયલે સીરિયા પર કરેલ આ હુમલો સીરિયામાં રાષ્ટ્રપતિ મહેલ નજીક કરવામાં આવ્યો હતો જેમાં સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ પણ નાશ પામ્યો હતો. 

ઇઝરાયલે સીરિયાની રાજધાની પર કરેલ આ હુમલા બાદ વ્હાઇટ હાઉસ તરફથી પણ આ હુમલા અંગે નિવેદન આપવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયા પર ઇઝરાયલી હુમલાઓથી વાકેફ ન હતા. આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નેતન્યાહૂને ફોન પણ કરવામાં આવ્યો હતો.