ચૂંટણી નિયમોમાં ફેરફાર એ ઈલેક્શન કમિશનની સ્વતંત્રતા પર હુમલા સમાનઃ મલ્લિકાર્જુન ખડગે

December 22, 2024

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ વોટિંગ નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર મુદ્દે કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમજ મોદી સરકારે ચૂંટણી પંચની સ્વતંત્રતા પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે સોશિયલ મીડિયા X પર પોસ્ટમાં ખડગેએ જણાવ્યું હતું કે, મોદી સરકારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને ચૂંટણી પંચની નિમણૂક કરતી પેનલમાંથી દૂર કર્યા હતા. હવે તે ચૂંટણી સંબંધિત માહિતી પ્રજાથી છુપાવી રહ્યા છે. આ સરકારનું ષડયંત્ર છે. જ્યારે પણ કોંગ્રેસે ચૂંટણી પંચને વોટર લિસ્ટથી દૂર કરવા અને ઈવીએમમાં પારદર્શકતા રાખવા વિશે લખ્યું છે કે, ત્યારે ચૂંટણી પંચે અપમાનજનક ભાષામાં જવાબ આપ્યો છે અને અમારી ફરિયાદો પણ સ્વીકારી નથી.


કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બરે ચૂંટણી નિયમોમાં ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર કરવા પર પ્રતિબંધો મૂક્યા છે. જેમાં મતદાન મથકના સીસીટીવી, વેબકાસ્ટિંગ ફુટેજ અને ઉમેદવારોને વીડિયો રેકોર્ડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યા છે. એઆઈની મદદથી મતદાન મથકના સીસીટીવી ફુટેજ સાથે છેડછાડ કરી બનાવટી દ્રશ્ય વાયરલ ન કરવામાં આવે તે હેતુ સાથે કેન્દ્ર સરકારે આ નિયમો લાગુ કર્યા છે. ચૂંટણી પંચ (EC)ની ભલામણ પર, કાયદા મંત્રાલયે ચૂંટણીના આચાર-વિચાર નિયમો-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે. નિયમ 93 કહે છે- "ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે." તેને બદલીને "ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રૂપે 'નિયમો મુજબ' ઉપલબ્ધ રહેશે" કરવામાં આવ્યો છે.