ભારત-અમેરિકાની ટ્રેડ ડીલને અપાઈ રહ્યો છે આખરી ઓપ, જાણો ટ્રમ્પ કેટલો ટેરિફ ઝીંકી શકે છે

July 12, 2025

ભારત અને અમેરિકા વચ્ચેનો ટ્રેડ ડીલ હજુ સુધી નક્કી થઈ નથી. બંને દેશોના પ્રતિનિધિઓ તેને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ એક પછી એક દેશ પર ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે. ગઈકાલે તેમણે કેનેડા પર 35% ટેરિફની જાહેરાત કરી હતી, જ્યારે તેના એક દિવસ પહેલા તેઓ બ્રાઝિલ સહિત 20 દેશોને ટેરિફ પત્ર મોકલી ચૂક્યા છે. એવામાં હવે ભારત સાથે પણ ડીલ ફાઈનલ થવાની નજીક છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ ફાઈનલ થવાની નજીક છે, જેમાં ભારત પર 20% ટેરિફ લાદી શકાય એવું અનુમાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત પર 26% થી ઓછો ટેરિફ લાદવાની અપેક્ષા છે. એપ્રિલમાં અમેરિકાએ ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે ભારત દ્વારા અમેરિકા પર લાદવામાં આવનાર 52% ટેરિફથી અડધો છે. ટ્રમ્પે તેને ભારત માટે 'ડિસ્કાઉન્ટ ટેરિફ' ગણાવ્યું હતું. પરંતુ હવે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકન સરકારે બ્રાઝિલ અને મ્યાનમાર જેવા દેશો પર 50% ટેરિફ અને વિયેતનામ અને ફિલિપાઇન્સ પર 20% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. પરંતુ બ્રાઝિલ, લાઓસ અને મ્યાનમાર જેવા દેશો પર લગાવવામાં આવેલા ટેરિફ વધારા જેવો સામનો ભારતને નહીં કરવો પડે એવું લાગી રહ્યું છે.  જો ભારત અને અમેરિકા વચ્ચે 20% ટેરિફ ડીલ ફાઈનલ થઈ જશે, તો ભારત પણ યુનાઇટેડ કિંગડમ સાથે એવા દેશોની યાદીમાં જોડાશે જેઓ ટ્રેડ ડીલને કારણે ટ્રમ્પના ટેરિફ યુદ્ધને ટાળવામાં સફળ રહ્યા છે.  વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ખૂબ નજીક છીએ.' રોયટર્સ અનુસાર ટ્રમ્પે કહ્યું છે કે, 'અમે બ્રિટન અને ચીન સાથે ટ્રેડ ડીલ કરી છે અને ભારત સાથે પણ ટૂંક સમયમાં ડીલ ફાઈનલ કરી લઈશું.'  નોંધનીય છે કે જે દેશોને ટેરિફનો પત્ર પાઠવવામા આવ્યો છે તે દેશોને લઈને ટ્રમ્પનું માનવું છે કે આ દેશો હવે ડીલ નહીં કરી શકે.