રશિયાના સૌથી મોટા હુમલાથી યુક્રેન ધણધણી ઉઠ્યું, 600 ડ્રોનથી તબાહી

July 12, 2025

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયાએ ગઈકાલે શુક્રવારે રાત્રે યુક્રેન પર 597 ડ્રોન અને 26 મિસાઈલ છોડી હુમલો કર્યો. આ હુમલો અત્યાર સુધીમાં રશિયાનો સૌથી મોટો હુમલો છે. ઝેલેન્સ્કી મુજબ, ડ્રોન હુમલામાં મોટાભાગે ઈરાનમાં બનાવેલા 'શાહેદ' ડ્રોન હતા. ઝેલેન્સ્કીએ દુનિયાને અપીલ કરી કે, 'આવા હુમલાઓને રોકવા માટે રશિયા પર કડક નિયંત્રણો લાદવામાં આવે.' યુક્રેની વાયુસેનાએ જણાવ્યું કે, અમે 319 ડ્રોન અને 25 મિસાઈલોનો ખાતમો કર્યો છે. પરંતુ આશરે 20 ડ્રોન અને એક મિસાઈલ પાંચ જગ્યાએ પડતાં નુકસાન થયું છે. જોકે, વાયુસેના એ જણાવ્યું નથી કે આ પાંચેય જગ્યાએ કઈ છે.  ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોથી અપીલ કરી છે કે, 'હવે ફક્ત ચેતવણી ન આપે અને રશિયાને રોકવા માટે તાત્કાલિક અને કડક નિર્ણય લેવામાં આવે. જો સમય રહેતા રશિયા પર પ્રતિબંધ મુકવામાં આવે તો આ પ્રકારના હવાઈ હુમલાઓ રોકવા સંભવ છે.'
ઝેલેન્સ્કીએ માગ કરી છે કે, રશિયાને ડ્રોન બનાવવામાં મદદ કરનારા અને તેમના ઓઈલ વેચીને નફો અપાવી રહેલા દેશો કે લોકોને સજા કરવામાં આવે. રશિયાના અર્થતંત્ર માટે તેલ નિકાસ એક મુખ્ય આધારસ્તંભ છે અને આ જ તેના યુદ્ધને આગળ ધપાવી રહ્યું છે.