BAAM ઓપરેશન હેઠળ 50 પાકિસ્તાની સૈનિકોના મોત, ISI ના 9 એજન્ટ ઠાર, બલોચ બળવાખોરોનો મોટો દાવો

July 12, 2025

પાકિસ્તાની સેના વિરુદ્ધ બલૂચ બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટે (BLF) 'Operation BAAM' હાથ ધાર્યું હતું. આ 3 દિવસનું ઓપરેશન હવે પૂરું થયું છે. જેમાં છેલ્લા 4 દિવસમાં, બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં હુમલા કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ બધા હુમલાઓની જવાબદારી લીધી છે. તેને 'ઓપરેશન BAAM'નો એક ભાગ ગણાવવામાં આવ્યો છે. BLF એ 8 જુલાઈએ આ ઓપરેશન શરુ કર્યાની જાહેરાત કરી હતી ત્યારથી સતત હુમલા થઈ રહ્યા હતા. BLF એ દાવો કર્યો છે કે 9 જુલાઈથી 11 જુલાઈ સુધી તેણે પાકિસ્તાની સેનાના 70 ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જેમાં  પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા 50 સૈનિકો માર્યા ગયા અને 51થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ BLF એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ મિલિટરી ઇન્ટેલિજન્સ (MI) અને ISI ના 9 એજન્ટને મારી નાખ્યા હતા. BLF એ દાવો કર્યો છે કે 'ઓપરેશન BAAM' દરમિયાન બલૂચ લડવૈયાઓએ 7 મોબાઇલ ટાવર અને તેમની મશીનરીને આગ ચાંપી દીધી હતી અને પાકિસ્તાની સેનાની પ્રવૃત્તિઓને રોકવા માટે 22 સ્થળોએ કામચલાઉ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી હતી. BLF એ 72 કલાક સુધી ચાલેલા 'ઓપરેશન BAAM'માં 24 ખનિજ વહન કરતા ટ્રક અને ગેસ ટેન્કરનો પણ નાશ કર્યો. આ સાથે, પાંચથી વધુ સર્વેલન્સ ડ્રોન અને ક્વોડકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા, જેનાથી પાકિસ્તાનની સર્વેલન્સ સિસ્ટમને નુકસાન થયું. BLF અનુસાર, તેના 70 હુમલાઓમાંથી 30થી વધુ સીધા પાકિસ્તાની સેના અને સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ પર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 હુમલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ પર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત BLF દ્વારા 4 હુમલાઓ એમ્બ્યુશ દ્વારા કરવામાં આવ્યા હતા અને એક-એક હુમલો કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડ પર કરવામાં આવ્યો હતો. ઉપરાંત 4 હુમલાઓ લેવી ચેકપોસ્ટ પર અને 4 હુમલાઓ પોલીસ ચોકીઓ પર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન બલુચિસ્તાનના મકરાન, રેખશાન, કોલવા, સરવન, ઝાલાવાન, કોહ-એ-સુલેમાન, બેલા અને કાચી જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. BLF એ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની સરકાર અને સેના સતત બલુચિસ્તાનની સંપત્તિ લૂંટી રહ્યા છે, જેના કારણે બલુચ લડવૈયાઓએ આ હુમલો કર્યો.