બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો પણ બની ગયા મતદારો! ચૂંટણી પંચનો દાવો

July 13, 2025

બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા છે. ચૂંટણી પંચના સૂત્રોના દાવા અનુસાર, બિહારમાં SIR દરમિયાન ઘરે-ઘરે જઈને જઈને દસ્તાવેજ ભેગા કરી રહેલા બૂથ લેવલ ઓફિસર (BLO)ને મોટી સંખ્યામાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે આવેલા લોકો મળ્યા છે.  ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે, પહેલી ઓગસ્ટ 2025 બાદ યોગ્ય તપાસ બાદ તેમના નામ 30 સપ્ટેમ્બર 2025ના દિવસે જાહેર થનારી અંતિમ યાદીમાં સામેલ નહીં કરવામાં આવે. આશા છે કે, 30 સપ્ટેમ્બર બાદ ચૂંટણી પંચ આ સંખ્યાના આંકડા પણ જાહેર કરે. બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હેઠળ મતાદાર ગણતરી ફોર્મ જમા કરવાનું કામ છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે.


અત્યાર સુધી 80 ટકાથી વધુ મતદારોએ પોતાના વિશે જરૂરી જાણકારી એટલે કે, નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, મતદાર કાર્ડ નંબર સહિતની માહિતી દાખલ કરી ફોર્મ જમા કરાવી દીધા છે. જોકે, આયોગે આ કામ માટેની છેલ્લી તારીખ 25 જુલાઈ નક્કી કરી છે. પરંતુ સમયમર્યાદા પહેલાં જ આ કામ પૂરૂ થઈ જવાની સંભાવના છે.  પહેલી ઓગસ્ટે જાહેર થતી મતદારોની ડ્રાફ્ટ યાદીમાં જે લોકોનું નામ નથી આવતું તેઓ ક્રમશઃ મતદાર રજિસ્ટ્રેશન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અથવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી પોતાના પ્રમાણપત્ર સાથે દાવો કરી શકે છે. મતદારની ફાઇનલ યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે.