હિમાચલ પ્રદેશના કાંગડા-કિન્નૌરમાં વાદળ ફાટ્યું, 18 મકાનો દટાયા, 150 રસ્તાઓ બંધ, અનેક પશુઓના મોત

July 22, 2026

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે કાંગડા, મંડી, ચંબા અને કુલ્લુ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કાંગડા અને કિન્નોર જિલ્લામાં બે સ્થળે વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનાઓમાં 18 મકાન કાટમાળમાં દટાઈ ગયા, ત્રણ મહિલાઓ ઘાયલ થઈ અને નવ પશુઓના મોત થયા હતા.

કાંગડા જિલ્લાના બોહ ખીણ વિસ્તારમાં વાદળ ફાટતાં આવેલા પૂર અને ભૂસ્ખલનથી રૂલેહર, બાંગર, ગઢગુન અને સ્પૈડા ગામોમાં ભારે નુકસાન થયું હતું. ચારેય ગામોમાં કુલ 18 મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બીજી તરફ કિન્નોર જિલ્લાના શાલખાર વિસ્તારમાં આવેલા ગોથાંગ નાળામાં વાદળ ફાટતાં પૂરના પાણી અને કાટમાળ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ના રહેણાંક સંકુલમાં ઘૂસી ગયા હતા. ઘટનામાં બીઆરઓની બે બેરેક અને એક સ્ટોર કાટમાળથી ભરાઈ ગયા હતા. કાટમાળના કારણે કિન્નોર-કાઝા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ થઈ ગયો હતો. જોકે, બીઆરઓએ મશીનરીની મદદથી સતત લગભગ 20 કલાક કામગીરી કરીને મંગળવારે સવારે માર્ગ ફરી શરૂ કર્યો હતો.

રાજ્યમાં સતત વરસાદ અને ભૂસ્ખલનની અસરથી મંગળવાર સાંજ સુધી 150 રસ્તાઓ બંધ રહ્યા હતા. ઉપરાંત 291 વીજ ટ્રાન્સફોર્મર અને 91 પીવાના પાણીની યોજનાઓ પણ ખોરવાઈ જતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.