અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો કારની સાઈડમાં તેમજ સામેથી ગોળીબાર કરી થયા ફરાર

October 19, 2026

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈમાં થયેલા ફાયરિંગની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સોશિયલ મીડિયા પર ગૅંગસ્ટર અનિલ પંડિતની એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેણે ટાઇગર પર હુમલો કર્યાની કબૂલાત કરી છે. પોસ્ટમાં અનિલ પંડિતે દાવો કર્યો છે કે આ હુમલો તેણે અને અરમાન સંધૂએ મળીને કરાવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ સલમાન ખાન સાથે કામ કરશે, તેનો આગામી નંબર હશે. હાલમાં સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.    પોસ્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે અમે આને સમજાવ્યું હતું, પરંતુ આને સમજાયું નહીં. પોલીસે સ્પષ્ટતા કરી છે કે રવિવાર સાંજ થયેલા આ હુમલામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. જોકે, તેમનો ડ્રાઇવર અને એક રિક્ષાચાલક ગોળીબારમાં ઘાયલ થયા છે.

ફાયરિંગની આ ગંભીર ઘટના બાદ મુંબઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસની 12 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ હુમલા પાછળના વાસ્તવિક કારણો અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તમામ ટેક્નિકલ અને ભૌતિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.