પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાના ઘરે 15 બોમ્બ ઝીંકાતા ખળભળાટ, આડેધડ ફાયરિંગ

October 04, 2024

બંગાળ- પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના નિવાસસ્થાને આડેધડ ફાયરિંગ કરાતા અફરાતફરી સર્જાઈ છે. પૂર્વ લોકસભા સાંસદ અને ભાજપના નેતા અર્જુન સિંહે કહ્યું છે કે, ટોળા દ્વારા મારા ઉત્તર 23 પરગરનામાં આવેલા કાર્યાલય અને મકાન પર 15 બોમ્બ ઝીંકવામાં આવ્યા છે. ટોળાએ પથ્થરમારો કરવાની સાથે 12થી વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. પૂર્વ ભાજપ સાંસદે દાવો કર્યો છે કે, ગોળીમાંથી છુટેલો છરાના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમણે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘આજે સવારે તમામ લોકો નવરાત્રિ પુજામાં વ્યસ્ત હતા. આ દરમિયાન NIA કેસના આરોપી અને સ્થાનિક ટીએમસીના કોર્પોરેટરના પુત્ર નમિત સિંહને બચાવવા માટે કેટલાક જેહાદીઓ અને બદમાશોએ મારા કાર્યાલય અને મારા પર હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ મૂકપ્રેક્ષક બનીને ઉભી રહી હતી.’
અર્જુન સિંહે દાવો કર્યો છે કે, હુમલાખોરો જાહેરમાં હથિયારો લઈને ફરતા રહ્યા હતા, તેમ છતાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને ઉભી હતી. બદમાશોએ લગભગ 15 જેટલા બોમ્બ ઝીંક્યા અને એક ડઝનથી વધુ રાઉન્ડ આડેધડ ગોળીબાર પણ કર્યો હતો.

ઘટનાને નજરે જોનારાઓએ દાવો કર્યો છે કે, બોમ્બ ઝીંકાયા બાદ ભાજપ નેતાના ઘરમાં ધૂમાળો ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી દીધી છે. જગતદલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે, બોમ્બમારા અને ફાયરિંગમાં કોઈપણ ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટી થઈ નથી. હાલ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.