મુંબઈના કુર્લામાં ઉદ્યાનમાં ફોટો પડાવતા યુવક-યુવતી સાથે સગીરોની છેડતી અને મારામારી, 8ની અટકાયત

November 21, 2026

મુંબઈના કુર્લા વિસ્તારમાં ફીનિક્સ મોલ નજીક આવેલા મહાનગરપાલિકાના ઉદ્યાનમાં ફોટો પડાવી રહેલા યુવક-યુવતી સાથે 8 થી 10 સગીરોએ અભદ્રતા અને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા પીડિતોની ફરિયાદના આધારે ઘાટકોપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 8 સગીરોની અટકાયત કરી છે.

વાઈરલ થયેલા વીડિયો મુજબ, ઉદ્યાનમાં ફોટો ખેંચી રહેલા યુવક-યુવતી પર ત્યાં હાજર 7 થી 8 છોકરાઓએ અશ્લીલ ટિપ્પણીઓ શરૂ કરી હતી. યુવક-યુવતીએ તેનો વિરોધ કરતા સગીરોએ છેડતી અને મારામારી કરી હતી, જેમાં એક સગીર ચપ્પલ જેવી વસ્તુ વડે યુવકને મારતો અને બીજો યુવતીના માથા પર દંડાથી પ્રહાર કરતો દેખાય છે. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો હાજર લોકોએ ઉતારીને વાઈરલ કર્યો હતો.

પોલીસ ઉપાયુક્ત ગણેશ શિંદેના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 189(4), 118(1), 352 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓને કિશોર ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ આગળની કાયદેસરની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બિહારના જમુઈમાં પણ કોચિંગ સેન્ટરના સગીર વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે છેડતી અને મારામારીનો વીડિયો વાઈરલ થયો હતો.

બીજી તરફ, આ ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કડક કાર્યવાહીની માંગ કરતા જણાવ્યું હતું કે 5 બાળકોના માતા-પિતાને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે શિવસેના (UBT) ના નેતા ઈંતેખવાબ ફારૂકીએ પણ આ ઘટનાની સખત નિંદા કરતા તેને અત્યંત નિંદનીય ગણાવી હતી.