ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાનું ઘમસાણ

April 27, 2025

ગોંડલ : રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથરિયાના શાબ્દિક યુદ્ધે હિંસાનું સ્વરૂપ લઈ લીધું હતું. એકબાજુ ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કર્યો હતો અને જીગીશા પટેલ સામે પણ ઉગ્રતાથી વિરોધ કર્યો. ત્યાં બીજી બાજું જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ 'જય સરદાર'ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વહેલી સવારથી ગોંડલની સ્થિતિ એવી જોવા મળી છે, જાણે અહીં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી. બંને પક્ષના સમર્થકો જાણે ગૃહમંત્રી અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તે રીતે રાજકીય ઘમાસાણ અને હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા. આ સિવાય ગોંડલના ધારાસભ્ય ગીતાબાએ સંપૂર્ણ ઘટના પર મૌન સેવી મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતાં અને તેમના પતિ અને દીકરો જાણે ગોંડલના જન પ્રતિનિધિ હોય તે પ્રકારે નિવેદનો આપતા જોવા મળ્યા હતાં. 


સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. હુમલા બાદ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના, તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું, ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'